પશ્ચિમ બંગાળમાં કોરોના વકર્યો : ૧૯ જિલ્લાઓમાં ગંભીર પરિસ્થિતિ
કોલકતા: દેશમાં કોરોનાવાયરસ સંક્રમણના કેસ ફરી એકવાર વધી રહ્યા છે. ઘણાં શહેરોમાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ રહી છે. દરમિયાન, પશ્ચિમ બંગાળમાં, ચૂંટણી પૂર્વે, કોરોના વાયરસ સંક્રમણ વિશે અહેવાલો આવ્યા છે. આ આંતરિક સર્વે મુજબ રાજ્યના ૧૯ જિલ્લાઓમાં કોરોના સંક્રમણને લઈને સ્થિતિ એકદમ ગંભીર છે. આ સ્થળોએ સંક્રમણના કેસો ઝડપથી વધી રહ્યા છે. તે જ સમયે, મધ્ય પ્રદેશ સરકાર રવિવારે ૨ થી ૩ શહેરોમાં લોકડાઉન કરવાની વિચારણા કરી રહી છે.
પશ્ચિમ બંગાળના આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે કે ૧૫ માર્ચથી ૨૧ માર્ચ દરમિયાન રાજ્યમાં કોરોના સંક્રમણનો દર ૧.૩૫ ટકાથી વધીને ૧.૭૮ ટકા થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ૧૯ જિલ્લાઓને રેડ ઝોનમાં રાખવામાં આવ્યા છે.
સર્વેક્ષણમાં એવું જાણવા મળ્યું છે કે ૧૫ માર્ચથી ૨૧ માર્ચની વચ્ચે કેરોના સંક્રમણનો દર ૨.૦૯ ટકાથી વધીને ૩.૦૪ ટકા થયો છે. મંગળવારે રાજ્યમાં કોરોનાના ૪૦૪ નવા કેસ નોંધાયા છે. આ પછી, બંગાળમાં કેસની કુલ સંખ્યા ૫.૮૧ લાખ થઈ ગઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૦,૩૧૦ લોકોનાં મોત નીપજ્યાં છે. આ સમયે ૩૬૫૬ સક્રિય કેસ છે.