પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી જ પાછાં આવશે, સી વોટરના સર્વેમાં કરાયો દાવો
નવી દિલ્હી, ચાલુ વરસમાં ઓછામાં ઓછાં ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જો કે સૌની નજર પશ્ચિમ બંગાળ પર છે. પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીને પરાજિત કરીને સત્તા મેળવવાના સપનાં ભાજપ જોઇ રહ્યો છે. પરંતુ તાજેતરમાં થયેલા એક સર્વેમાં એવો દાવો કરાયો હતો કે મમતા બેનરજી પાછાં સત્તા પર આવશે.
ચૂંટણી પંચે હજુ જો કે કેાઇ રાજ્યની ચૂંટણીની તારીખો જાહેર કરી નથી પરંતુ પશ્ચિમ બંગાળમાં રાજકીય પ્રવૃત્તિઓ વધી ગઇ હતી. ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ ઉપરાંત હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ પણ કોલકાતાના આંટાફેરા વધારી દીધા હતા. ચૂંટણીની જાહેરાત થવા પહેલાં સી વોટર દ્વારા કરાયેલા એક સર્વેનાં પરિણામો એવાં આવ્યાં હતાં કે મમતા બેનરજી સત્તા પર પાછાં ફરશે. આ સર્વેમાં એવો પણ દાવો કરાયો હતો કે પશ્ચિમ બંગાળમાં હાલ છે એના કરતાં ભાજપની સ્થિતિ વધુ સારી થશે.
સી વોટરના સર્વેમાં મમતા બેનરજીના તૃણમૂલ કોંગ્રેસ પક્ષે આશે બે ટકા મતો અને આશરે 53 બેઠકો ગુમાવવાં પડશે એવું જણાવવામાં આવ્યું હતું. એબીપી સી વોટર સર્વે મુજબ તૃણમૂલ કોંગ્રેસને આ વખતે 158 બેઠકો મળી શકે છે. ગઇ ચૂંટણીમાં એને 211 બેઠકો મળી હતી. ભાજપને છેલ્લી ચૂંટણીમાં ત્રણ બેઠકો મળી હતી. પરંતુ આ વખતે ભાજપ આશરે 102 બેઠકો જીતી શકે છે એવું સર્વેનાં પરિણામોમાં જણાવાયું હતું. છેલ્લી ચૂંટણીમાં ભાજપે 10.2 ટકા મતો મેળવ્યા હતા. આ વખતે ભાજપ 37.5 ટકા મતો મેળવે એવી ધારણા સર્વેમાં વ્યક્ત કરાઇ હતી. ડાબેરીઓ અને કોંગ્રેસને ભારે નુકસાન થશે એમ આ સર્વે કહે છે. ગયા વખતે મળેલા 32 ટકા મતોની તુલનાએ આ વખતે આ બંને પક્ષોને કુલ 11.8 ટકા મતો મળે એવી ધારણા સર્વેમાં વ્યક્ત કરાઇ હતી.
આ સર્વે પછી ભાજપે દુ પરિશ્રમ કરવો પડશે એમ કહી શકાય. જો કે ઘણીવાર આવા સર્વે સાવ ખોટા પડતા હોય છે. સર્વે અને ઓપિનિયન પૉલ ક્યારેય સો ટકા સાચા પડતા નથી. પરંતુ મમતા બેનરજીએ ચેતી જવાની જરૂર ખરી. આ સર્વેમાં અસદુદ્દીન ઓવૈસી વિશે કોઇ સ્પષ્ટતા થઇ નહોતી.
મુખ્ય પ્રધાન તરીકે મમતા બેનરજીનેજ લોકોએ પસંદ કર્યા હતા. મુખ્ય પ્રધાનની પસંદગીના મુદ્દે મમતાને 48.8 ટકા મતો મળ્યા હતા. ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષ મુખ્ય પ્રધાનપદની પસંદગીના મુદ્દે બીજે ક્રમે આવ્યા હતા અને જગવિખ્યાત ક્રિકેટર સૌરવ ગાંગુલી ત્રીજા ક્રમે આવ્યા હતા.