પશ્ચિમ મહીલા પોલીસ સ્ટેશનની બહારથી કોન્સ્ટેબલનું વાહન ચોરાયું
વાહનમાં દસ્તાવેજાે ઉપરાંત નેઈમ પ્લેટ સહીતની આખી વર્દી હતી : સેટેલાઈટ પોલીસે તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરમાં વાહનચોરીના અનેક બનાવો બની રહયા છે અને તે સતત વધી રહયા છે. આ પરિસ્થિતિમાં પશ્ચિમ મહીલા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું વાહન પોલીસ સ્ટેશનની બહારથી જ ચોરાઈ જવાની ઘટના બની છે.
આ ઘટના અંગેની વિગત એવી છે કે સાદીકભાઈ પઠાણ (૪૩) એફ કોલોની, શાહઆલમ ખાતે રહે છે અને પશ્ચિમ મહીલા પોલીસ સ્ટેશન, આઈઆઈએમ રોડ, સેટેલાઈટ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. કેટલાક દિવસ અગાઉ ફરજ ઉપર આવેલા સાદીકભાઈએ પોતાનું એવીયેટર મહીલા પોલીસ સ્ટેશનની બહાર ફુટપાથ ઉપર પાર્ક કર્યું હતું
બપોરે દોઢ વાગ્યે તે કોઈ કારણોસર બહાર નીકળતાં તેમનું એક્ટિવા મળી આવ્યુ ન હતું જેથી પોલીસ સ્ટેશનના સીસીટીવી કુટેજ તપાસ્યા હતા પરંતુ તેમાં એવીયેટરનું સ્થળ કવર થતું નહતું આસપાસ તપાસ કર્યા બાદ તેમણે ટોઈંગ સ્ટેશનમાં પણ તપાસ ચલાવી હતી પરંતુ ત્યાં પણ મળી ન આવતા છેવટે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં પોતાના વાહન ચોરીની ફરીયાદ નોંધાવી હતી. તેમના વાહનમાં ટીફીન ઉપરાંત વર્દી, વ્હીસલ, નેમ પ્લેટ, બેઝ, બેલ્ટ અને કેપ તથા દસ્તાવેજાે પણ હતાં.