પશ્ચિમ રેલવે પર “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)” બેઠકનું આયોજન
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Prem-meeting-1024x640.jpeg)
કર્મચારી કલ્યાણ સાથે સંબંધિત વિવિધ પહેલ અને પગલાંની ચર્ચા
પશ્ચિમ રેલવે પર વર્ચ્યુઅલ પ્લેટફોર્મ મારફતે શુક્રવાર, 21 મે, 2021 ના રોજ “प्रबंधन में रेलवे कर्मचारियों की भागीदारी (PREM)” બેઠક યોજાઈ હતી. આ બેઠકની અધ્યક્ષતા પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે કરી હતી અને તેમાં એડિશનલ જનરલ મેનેજર, વિભાગાધ્યક્ષો તેમજ પશ્ચિમ રેલવેના માન્યતા પ્રાપ્ત યુનિયનો અને સંગઠનોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે બહાર પાડેલ એક પ્રેસ રિલીઝ માં જણાવ્યા અનુસાર, બેઠકનો વિષય “સેવા આપતા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે વિવિધ યોજનાઓ” હતી. પ્રમુખ મુખ્ય કાર્મિક અધિકારી દ્વારા સેવા આપતા રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે લેવામાં આવેલ વિવિધ પગલાં અને યોજનાઓને આવરી લેતી પાવરપોઇન્ટ પ્રેસેન્ટેશન કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન સહભાગીઓ દ્વારા મુખ્યત્વે બેઠકના વિષય પર પ્રકાશ પાડતા વિવિધ સૂચનો કરવામાં આવ્યા હતા. જનરલ મેનેજર શ્રી કંસલે રેલવે હોસ્પિટલમાં કોવિડ-19 મહામારી ની સારવાર માટે લેવામાં આવેલ વિવિધ પહેલ અને પગલાં પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઓક્સિજન ટેન્કર, જીવન રક્ષક દવાઓની ખરીદી, રસીકરણ ઝુંબેશ વગેરે સહિત આવશ્યક અને જીવન રક્ષક વસ્તુઓના પરિવહનમાં રેલવેની મહત્વપૂર્ણ ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
જનરલ મેનેજરે ખાતરી આપી હતી કે રેલવે દ્વારા કર્મચારીઓ અને તેમના પરિવારોના કલ્યાણ માટે સમયસર અને યોગ્ય પગલાં લઈને શક્ય તમામ પ્રયાસો સુનિશ્ચિત કરવામાં આવશે અને કોઈ કસર છોડવામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન મળેલા સૂચનોની ગંભીરતાથી તપાસ કરવામાં આવશે.
શ્રી ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોના લાભ માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેમાંથી મોટાભાગની કર્મચારી લાભ ભંડોળ (એસબીએફ) હેઠળ આવે છે. કર્મચારી લાભ ભંડોળમાંથી મળેલા ભંડોળનો ઉપયોગ કર્મચારીઓના બાળકો માટે શિષ્યવૃત્તિ, મહિલા સશક્તિકરણ પ્રવૃત્તિઓ, ગંભીર બીમારી અને અકસ્માત દરમિયાન અસરગ્રસ્ત રેલવે કર્મચારીઓને તાત્કાલિક નાણાકીય સહાય તેમજ પૂર, દુષ્કાળ, ભૂસ્ખલન, આગ અથવા અન્ય કોઈ આપત્તિને કારણે ઉદ્ભવતી તકલીફ ના સમયે રાહત માટે થાય છે.
આ ઉપરાંત શારીરિક રીતે વિકલાંગ કર્મચારીઓ અને તેમના શારીરિક/માનસિક રીતે વિકલાંગ આશ્રિતો, જેમને વ્હીલ ચેર, અન્ય સહાયકો, વિશેષ સોફ્ટવેર વગેરેની ખરીદી સહિત વિશેષ સાધનોની જરૂર હોય તેમજ વર્કશોપ, સેમિનાર, કેમ્પ વગેરેનું આયોજન કરીને વ્યવસાયિક કુશળતા વિકસાવવા માટે પણ સહાય પૂરી પાડવામાં આવે છે.
નાણાકીય વર્ષ 2020-21માં પશ્ચિમ રેલવેએ તેના કર્મચારીઓ અને તેમના પરિવારના સભ્યોને કલ્યાણકારી સેવાઓ પૂરી પાડવા માટે કર્મચારી લાભ ભંડોળમાંથી 6.5 કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા.