પશ્ચિમ રેલવે પર આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/mrs-gm.jpeg)
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા શ્રીમતિ તનુજા કંસલે જગજીવન રામ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફને 50,000/- રૂપિયાનો રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કર્યા.
ફોટો : જગજીવન રામ હોસ્પિટલમાં રસી લગાવતા પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) ના અધ્યક્ષા શ્રીમતિ તનુજા કંસલ.
પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO) હંમેશાં રેલવે કર્મચારીઓ અને તેમના પરિવારોની મદદ અને સંભાળ રાખવામાં મોખરે રહ્યું છે. સંસ્થા વિવિધ કલ્યાણકારી પ્રવૃત્તિઓ માટે અત્યંત નિષ્ઠા અને સમર્પણ સાથે કામ કરી રહી છે. પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠનના અધ્યક્ષા તનુજા કંસલે કુશળ નેતૃત્વ અને સમર્પણની ભાવનાથી તેમની પરોપકારી પ્રવૃત્તિઓ સાથે નવી ઊંચાઈઓને સ્પર્શ કરી છે. આ જ રીતે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન (WRWWO)ના અધ્યક્ષા તનુજા કંસલ દ્વારા ખાસ કરીને કોવિડ-19ના આ મુશ્કેલ અને પડકારજનક સમયમાં નર્સિંગ સમુદાય દ્વારા કરવામાં આવી રહેલ નિઃસ્વાર્થ સેવાની પ્રશંસા કરવા બદલ, પશ્ચિમ રેલવેની જગજીવન રામ હોસ્પિટલની નર્સોને 50,000/- રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
ફોટો કેપ્શન: આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ નિમિત્તે મુંબઈ સેન્ટ્રલ, પશ્ચિમ રેલવેની જગજીવન રામ હોસ્પિટલની નર્સોએ શપથ લીધા.
પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુરે જાહેર કરેલ પ્રેસ રિલીઝમાં જણાવ્યા અનુસાર, પશ્ચિમ રેલવેની જગજીવન રામ હોસ્પિટલ કોવિડ-19ના મહામારી બાદ તરત જ કોમ્બેટ ઝોન બની ગઈ હતી. રેલવે મંત્રાલયે તેને 100 ટકા કોવિડ હોસ્પિટલ જાહેર કર્યા બાદ 4 એપ્રિલ, 2020થી જગજીવન રામ હોસ્પિટલને સંપૂર્ણપણે કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. ભારતીય રેલવેની આ પહેલી રેલવે હોસ્પિટલ હતી.
જગજીવન રામ હોસ્પિટલે આ મુશ્કેલ પડકાર સ્વીકાર્યો અને સૌથી ઓછા સમયમાં હોસ્પિટલ કોવિડ હોસ્પિટલ તરીકે કામ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ ગઈ. નવેમ્બર, 2020 થી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ સામાન્ય એટલે નોન-કોવિડ રેલવે લાભાર્થીઓ માટે પણ સેવાઓ શરૂ કરવામાં આવી હતી અને કોવિડ અને નોન-કોવિડ બંને દર્દીઓની સલામત સારવાર માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન નર્સિંગ સ્ટાફે તેમની સેવાઓ પૂરી પાડવામાં કોઈ કસર છોડી ન હતી.
શ્રી ઠાકુરે માહિતી આપી હતી કે નર્સોની સેવાઓ અને કાર્યોની પ્રશંસા કરવા માટે દર વર્ષે 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસને આધુનિક નર્સિંગની સંસ્થા ફ્લોરેન્સ નાઇટીંગેલ ના જન્મદિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ વર્ષે વર્લ્ડ નર્સિંગ ડેની થીમ ‘એ વોઇસટોલીડ – એ વિઝન ફોર ફ્યુચર હેલ્થકેર’ હતી.
આ પ્રસંગે શ્રીમતી કંસલે કહ્યું હતું કે, નર્સનું કામ અનન્ય અને અલગ છે, તે દર્દીઓના હૃદયને તેની દયા અને કરુણાથી સ્પર્શે છે. આજે સમગ્ર વિશ્વ કોવિડ રોગચાળાનો સામનો કરી રહ્યું છે, જેમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. તબીબી સહાય ના સ્વરૂપમાં હોય કે કેટલાક પ્રોત્સાહક શબ્દો અથવા અન્ય સંભાળના સ્વરૂપમાં, નર્સો દરેક દર્દીની સંભાળ લેવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે.
કંસલે વધુમાં જણાવ્યું હતું કે નર્સોના પ્રેમ, સેવા અને સમજના વર્તનથી ઘણા લોકોના જીવનને સ્પર્શી ગયું છે. નર્સો પણ તેમની ફરજથી આગળ વધી છે અને સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું છે જેથી દર્દીઓને વધુ સારી સારવાર મળી શકે. નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવેલા સાચા અને અદ્ભુત કાર્યની પ્રશંસા કરતાં શ્રીમતી કંસલે જગજીવન રામ હોસ્પિટલની નર્સોને 50,000/- રૂપિયાનો એવોર્ડ એનાયત કર્યો હતો, જેની તમામે પ્રશંસા કરી હતી. આનાથી નર્સોનું મનોબળ વધ્યું છે એટલું જ નહીં પરંતુ તેઓ જે કામ કરી રહ્યા છે તેના પર પણ તેમને ગર્વ થયો છે.
શ્રી ઠાકુરે વધુમાં માહિતી આપી હતી કે, તાજેતરના ભૂતકાળમાં પણ પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠને કોવીડ વોરિયર્સને વિવિધ ઉપયોગી ઉપકરણો અને સાધનો પૂરા પાડવા ઉપરાંત તેમની સેવાઓ માટે સન્માનિત કર્યા છે. ભૂતકાળમાં પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા જગજીવન રામ હોસ્પિટલના ઇન્ડોર દર્દીઓ અને મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફના હિતમાં ઇન્ડકશન કુકર, આરઓ વોટર પ્યુરિફાયર્સ, હોટ એન્ડ કોલ્ડ વોટર ડીસ્પેન્સર જેવી આવશ્યક અને ઉપયોગી વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી. સંસ્થાએ સેનિટાઇઝર ડિસ્પેન્સર, ઔદ્યોગિક મિક્સર વગેરે પણ પૂરા પાડ્યા છે.
દર વર્ષે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય તહેવારો નિમિત્તે પશ્ચિમ રેલવે મહિલા કલ્યાણ સંગઠન દ્વારા જગજીવન રામ હોસ્પિટલના તમામ ઇન્ડોર દર્દીઓને ગિફ્ટ હેમ્પર માં રજૂ કરવામાં આવે છે અને પ્રોત્સાહિત કરવામાં આવે છે. રાષ્ટ્રીય આપત્તિ ની સ્થિતિમાં સંગઠન પોતાનું નાણાકીય યોગદાન અને રાહત સામગ્રી પ્રદાન કરવામાં પણ ઉદાર રહ્યું છે.