પહેલાં જ નોતરે પ૩ કેસ કરી ૪૪ વાહનો ડિટેઈન કરાયા: પોલીસની સઘન કાર્યવાહી
સોલામાં વગર પરમીટે ગરબા આયોજન કરતાં હોલ મેનેજર સામે કાર્યવાહી
(પ્રતિનિધિ)અમદાવાદ, નવરાત્રીની શરૂઆત સાથે જ પોલીસ દ્વારા કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરતાં વ્યક્તિઓ વિરુધ્ધ કાર્યવાહી પણ સઘન કરવામાં આવી છે જે મુજબ અગાઉ કરતાં નોરતાંની પહેલી જ રાત્રે બેગણાં કેસ કરીને એટલાં જ પ્રમાણમાં અટક પણ કરવામાં આવી છે.
પોલીસ તંત્ર દ્વારા નવરાત્રી શરૂ થતાં જ કોરોના વધુ ન ફેલાય અને શહેરમાં શાંતિ જળવાય એ માટે સક્રીય થઈ ગયું છે ત્યારે નોરતાંની પ્રથમ રાત્રિએ એટલે કે ગુરૂવારે રાત્રે બાર વાગ્યા સુધીમાં પોલીસ દ્વારા સમગ્ર શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ હેઠળ પ૩ કેસ કરવામાં આવ્યા હતા જેમાં પ૬ શખ્શોની અટક કરવામાં આવી હતી જયારે ૪૪ વાહનો ડિટેઈન કરીને ૩.૬૭ લાખ રૂપિયાનો દંડ પણ વસુલવામાં આવ્યો હતો. ઉપરાંત જાહેર સ્થળોએ માસ્ક નહી પહેરવાના પણ ૭૧૧ કેસ કરવામાં આવ્યા હતા.
જયારે આગલા દિવસે એટલે બુધવારે પોલીસ દ્વારા રપ કેસ કરીને ર૮ વ્યક્તિની અટક કરવામાં આવી હતી જયારે ર૩ વાહનો ડિટેઈન કરીને ૪.પ૪ લાખ રૂપિયાનો દંડ વસુલાયો હતો જયારે માસ્કના ૬૦૪ કેસમાં ૬.૦૪ લાખનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
પરમિશન વગર ગરબા કરતાં હોલ મેનેજર વિરુધ્ધ ફરીયાદ
હાલમાં ફકત શેરી- સોસાયટી ગરબાને જ મંજુરી આપવામાં આવી છે અને તે સમય મર્યાદા બહાર જાય તો કાર્યવાહી કરવાની સુચના અપાયેલી છે તેમ છતાં સોલા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે સમયે ગણેશ મેરેડિયનમાં આવેલા જયુબીલેશન બેંકવેટ હોલમાં ગરબા ચાલુ હોવાની જાણ થતાં પોલીસે હોલના મેનેજર હિરારામ ઉર્ફે હિતેશ સેન વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. પોલીસ પહોંચી એ સમયે આશરે ૧ર૦ જેટલા લોકો હોલમાં ગરબા રમતાં હતા જેની કોઈ પ્રકારની પરમીશન લેવામાં આવી નહોતી.