પહેલા જેવી પરિસ્થતિ કરવાના તમામ પ્રયત્નો ચાલુ: પાટીલ
ઉના, ટાઉતે વાવાઝોડાંની અસરને લઈ એક પછી એક નેતાઓ ઉના તાલુકાની મુલાકતે આવી રહ્યા છે અને ઉનાના ખેડૂતોને થયેલા નુકશાનીનો ચિતાર મેળવીને અશ્વાસન આપી રહ્યા છે. એવામાં ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉના-ગીર ગઢડાના અસરગ્રસ્ત ગામોની મુલાકતે હતા.
જેમાં પ્રથમ ગીર ગઢડાના આંબાડા ગામની મુલાકાત લીધી હતી. ત્યારબાદ ઉના શહેરના ખારા વિસ્તાર તેમજ ઉનાના ભાચા, ગાંગડા, સનખડા ગામની મુલાકાત લીધી હતી. તમામ ગામોમાં મુલાકાત સમયે પાટીલે ખેડૂતોને સાંભળ્યા હતા. જેમાં ખેડૂતોએ વાવાઝોડાંના કારણે થયેલી નુકશાનીને લઈ પાટીલને રજુઆત કરી હતી.
તેમજ વહેલી તકે સર્વે કરી યોગ્ય સહાય શરૂ કરવામાં આવે તેવી પણ રજુઆત કરાય હતી. જાેકે પાટીલે પણ ખેડૂતો ને જણાવ્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર ખેડૂતોને મદદ કરવા તત્પર છે. કેન્દ્ર સરકાર ૧ હજાર કરોડની તાત્કાલિક ધોરણે ગુજરાત ને સહાય માટે જાહેરાત કરી છે.
તેમજ વડા પ્રધાનના જણાવ્યા મુજબ કેન્દ્રની ટિમ પણ ગુજરાત સર્વે માટે આવશે. હજુ વધુ મદદની જરૂર પડશે તે કેન્દ્ર સરકાર પણ આપશે. આ ઉપરાંત સીઆર પાટીલે મીડિયો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ ગામોમાં ઇલેક્ટ્રિકની સમસ્યા છે તે માટે સૌરભભાઇ પટેલ રાત દિવસ કામે લાગ્યા છે. લોકોને તેમની કામગીરીથી સંતોષ દેખાય રહ્યો છે.
ખૂબ જલ્દી પહેલા હતી તેવી પરિસ્થિતિ કરવા માટેના તમામ પ્રયત્નો ચાલુ છે. સાંસદ, રાજેશ ચુડાસમાનાં જણાવ્યાં પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના ગીર જંગલમાં વસતા નેસડાઓ સહિત અનેક વિસ્તારોમાં ઘાસચારાની અછત સર્જાઇ છે. ત્યારે જૂનાગઢ ગીર સોમનાથના સાંસદ દ્વારા મીડિયાને જણાવ્યું હતું કે, ઘાસચારાની અછતને પહોંચી વળવા મંત્રી સાથે વાતચીત થઈ છે અને આજ સાંજ સુધીમાં ઘાસચારાની વ્યવસ્થા થઈ જશે.