પહેલા જ વરસાદમાં અંકલેશ્વરની કૃપાનગર સોસાયટીમાં વીજ થાંભલો ધરાશાયી
(પ્રતિનિધિ)ભરૂચ, ચોમાસુ શરૂ થતાં જ જી.ઈ.બી દ્વારા કરાયેલ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી છે. વસસાદના એકા ઝાપટા માત્રથી જ વીજ પુરવઠો ડૂલ થવાના,ડીમ લાઈટ થવાના બનાવો સાથે વીજ થાંભલે ફ્ટાકા થવાના કિસ્સાઓ બહાર આવતા જી.ઈ.બી તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે.
અંકલેશ્વર શહેરની કૃપાનગર સોસાયટીમાં આવેલ એક જી.ઈ.બી ના થાંભલા નીચે પાણી અને સ્પાર્ક થતાં હોવાની ફરીયાદો વારંવાર સ્થાનિકો દ્વારા કરવામાં આવી છતાં કોઈ કામગીરી ન કરાતા આખરે પહેલા જ વરસાદમાં જ આ વીજપોલ ઘરાશાયી થવાની ઘટના બનવા પામી છે.
સ્થાનિકોએ પોતાનો રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, આ થાંભલા વિશે વારંવાર ફરિયાદો કરવા છતાં જી.ઈ.બી તરફથી તાકીદે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી.જાણે કે કોઈ મોટી હોનારત થવાની રાહ જોવાતી ના હોય તેવું લાગી રહ્યું છે.એટલું જ નહીં સ્થાનીકો દ્વારા આજરોજ આ ઘટનાની જાણ જી.ઈ.બી માં કરવા છતાં કલાકો સુધી કોઈ અધિકારી કે કર્મચારી જોવા મળ્યું ન હતું.સ્થાનિકો દ્વારા ફરી ફરિયાદ કરવામાં આવી કે તમે મોડા આવશો તો વાંધો નહિ પરંતુ સોસાયટીનો વીજપ્રવાહ તો બંધ કરી દો.પરંતુ મોડે સુધી વીજપ્રવાહ પણ બંધ કરવમાં આવ્યો ન હતો.સ્થાનિકોમાં વરસાદના વાતાવરણમાં કોઈ બાળક કે અન્ય લોકોને કરંટ લાગવાની બીકના પગલે ભયની લાગણી ફેલાવા પામી છે.આવા સંજોગોમાં કોઈ મોટી હોનારત થાય તો કોના ભરોશે રહેવું એ સ્થાનિકો માટે ચિંતાનો વિષય બનવા પામ્યો છે.