બોડી ગ્રામ પંચાયતના રાયપુરના ૧૫૦ મતદારો મતદાનથી દૂર રહી ચૂંટણી બહિષ્કાર
પ્રતિનિધિ દ્વારા ભિલોડા : ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રવિવારે યોજાયેલ મતદાનમાં મતદાન બહીષ્કાર કરવામાં આવ્યો હોવાની અનેક ઘટનાઓ બહાર આવી હતી ઠેર ઠેર લોકો મતદાન ન કરી તેમનો રોષ ઠાલવી રહ્યા છે
ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોડી ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ રાયપુર ગામના લોકોએ ચૂંટણી બહિષ્કાર કરી મતદાન થી દૂર રહ્યા હતા.
ગ્રામજનોએ પ્રાથમીક સુવિધાઓ ન મળતા પહેલા વિકાસ પછી મતદાનના નારા સાથે ૧૫૦ જેટલા મતદારોએ મત આપવાથી દૂર રહી તેમની માંગણી સંતોષવા સૂત્રોચ્ચાર કર્યા હતા નેતાઓ મત લઇ વિકાસના વાયદાઓ કરી છેતરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
બોડી ગ્રામ પંચાયતના પેટા પરા રાયપુર ગામના ગામના રહેવાસીનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા તેમના રોડ રસ્તા, શાળા,આરોગ્ય,પાણી અને સુવિધા આપવામાં આવતી નથી અને તેની અનેક વખત રજૂઆત કરવા છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ આવ્યું નથી.
આથી રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો છે.રાયપુર ગામમાં રહેતા ૨૫ થી વધુ પરિવારોએ જણાવ્યું હતું કે ચૂંટણી સમયે મત લેવા માટે આવતા નેતાઓ ચૂંટણી પૂર્ણ થયા બાદ પુંઠ વાળીને પણ ન જોતા હોવાનો આક્ષેપ કર્યો હતો ન છૂટકે નેતાઓ અને તંત્રને જગાડવા માટે ચૂંટણી બહિષ્કાર કર્યો હોવાનું જણાવ્યું હતું.