પહેલીવાર એવું બન્યું છે કે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું
નવીદિલ્હી: પહેલીવાર એવું બન્યું છે કે ડીઝલ પેટ્રોલ કરતા મોંઘુ થયું છે. આજે ફરી એકવાર ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ભાવવધારો ઝીંક્યો છે. કંપનીઓએ સતત ૧૮મા દિવસે પેટ્રોલના ભાવમાં તો નહીં પણ ડીઝલના ભાવમાં ૪૮ પૈસાનો વધારો કર્યો છે.
ઓઈલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા ડીઝલના ભાવમાં વધારો કરતા અસર એ થઈ કે પહેલીવાર પેટ્રોલ કરતા ડીઝલના ભાવ વધ્યા છે. દાયકાઓથી પેટ્રોલના ભાવ ડીઝલના ભાવ કરતા વધારે રહ્યાં છે. બુધવારે એકવાર ફરીથી ભાવવધારો થતા દિલ્હીમાં એક લીટર ડીઝલનો ભાવ ૭૯.૮૮ રૂપિયા થયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ ૭૯.૭૬ રૂપિયા પ્રતિ લીટર છે.
નોંધનીય છે કે જ્યાં એક બાજુ ક્રુડ ઓઈલના ભાવ છેલ્લા ૧૫ દિવસથી ૩૫-૪૦ ડોલર પ્રતિ બેરલ રહ્યો છે ત્યાં બીજી બાજુ દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભડકો જોવા મળી રહ્યો છે. જાણકારોનું કહેવું છે કે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા ૧૮ દિવસમાં પેટ્રોલના ભાવમાં લગભગ ૮.૫૦ રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે ડીઝલના ભાવમાં છેલ્લા ૧૮ દિવસમાં ૧૦.૨૫ રૂપિયાનો વધારો થયો છે. અત્રે જણાવવાનું કે રોજ સવારે ૬ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર જોવા મળે છે. સવારે ૬ વાગતા જ નવા રેટ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ચીજોને જોડ્યા બાદ તેના ભાવ લગભગ બમણા થઈ જાય છે.