Western Times News

Gujarati News

પહેલીવાર સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, ગ્લોવ્ઝ સાથે ઐતિહાસિક મતદાન

ગાંધીનગર: કોરોનાકાળમાં આજે ગુજરાતમાં આઠ બેઠકો પર ઐતિહાસિક મતદાન થઇ રહ્યું છે. ત્યારે કોવિડની તમામ ગાઇડલાઇન અનુસરવામાં આવી રહી છે. પહેલીવાર સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, ગ્લોવ્ઝ સાથે રાજ્યમાં મતદાન થઇ રહ્યું છે. ગુજરાતીઓ પણ આ કોરોનાકાળનાં મતદાનમાં જોડાઇ રહ્યાં છે અને પોતાનો સહયોગ પણ આપી રહ્યાં છે.

આજે સવારે સાત વાગ્યાથી મતદાન શરૂ થઇ ગયુ છે. નોંધનીય છે કે, અબડાસા, ધારી, લિંબડી, કરજણ, ઓલપાડ, ગઢડા, ડાંગ, મોરબી વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. આજે, ૩ નવેમ્બરે મતદાન યોજાશે અને ૧૦ નવેમ્બરે મતગણતરી હાથ ધરાશે. ગુજરાતમાં કુલ ૧૮,૭૫,૦૩૨ મતદારો મત આપશે.

આઠ બેઠકો પર કુલ ૧૮,૭૫,૦૩૨ મતદારો મત આપશે, જેમાં ૯,૦૫,૧૭૦ મહિલા અને ૯,૬૯,૮૩૪ પુરુષ મતદારોનો સમાવેશ થાય છે. કુલ ૩૦૨૪ મતદાન મથક પર મતદારો મતદાન કરશે. કોવિડની માર્ગદર્શિકા મુજબ એક બુથ પર ૧૫૦૦ના બદલે ૧૦૦૦ મતદારો જ મતદાન કરી શકશે.

મતદારો માટે ૩૪૦૦ થર્મલ ગન, ૪૧ હજાર દ્ગ-૯૫ માસ્ક, ૮૨ હજાર ડિસ્પોઝેબલ માસ્ક, ૪૧ હજાર ફેસ શિલ્ડ, ૪૧ હજાર હેન્ડ ગ્લોઝ કર્મચારીઓ માટે વપરાશે. આ સાથે ૨૧ લાખ પોલિથીન હેન્ડ ગ્લોઝ મતદારો માટે ફાળવવામાં આવ્યાં છે. માસ્ક વગર આવનાર મતદારોને બૂથ પર જ માસ્ક આપવામાં આવશે, પોલિંગ પાર્ટી માટે આઠ હજાર પીપીઈ કિટની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ચૂંટણીની વિશેષતા એ હશે કે તેમાં મતદારોમાં કોરોના પોઝિટિવ દર્દી માટે પણ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે અને દર્દીઓ સાંજે મતદાન કરી શકશે. રાજ્યની તમામ આઠ બેઠકો પર મતદારોનું પહેલા ટેમ્પરેચર માપવામાં આવે છે ત્યારબાદ તેમને ગ્લોવ્સ આપવામાં આવે છે તે બાદ જ મતદાન કરવામાં આવે છે. મતદારોને ઉભા રહેવા માટે થોડા થોડા અંતરે કુંડાળા બનાવવામાં આવ્યા છે. મતદાન માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું જરૂરી છે.

અબડાસા બેઠક પર ભાજપનાં પ્રદ્યુમનસિંહ જાડેજા, કોંગ્રેસના ઉમેદવાર ડો.શાંતિલાલ સંઘાણી, મોરબી બેઠક પર ભાજપનાં બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતીલાલ પટેલ, ધારી બેઠક પર ભાજપનાં જે.વી. કાકડિયા, કોંગ્રેસના ઉમેદવાર સુરેશ કોટડિયા, કરજણ બેઠક પર ભાજપનાં અક્ષય પટેલ,

કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા, ગઢડા બેઠક પર ભાજપનાં આત્મરામ પરમાર, કોંગ્રેસના ઉમેદવાર મોહનલાલ સોલંકી, કપરાડા બેઠક પર ભાજપનાં જિતુ ચૌધરી, કોંગ્રેસના ઉમેદવાર બાબુભાઈ વરઠા, ડાંગ બેઠક પર ભાજપનાં વિજય પટેલ, કોંગ્રેસના ઉમેદવાર સૂર્યકાંત ગામિત, લીમડી બેઠક પરભાજપનાં કિરીટસિંહ રાણા, કોંગ્રેસના ઉમેદવાર ચેતન ખાચરના ભાવિ આજે ઇવીએમમાં બંધ થશે.

રાજ્યસભાની ચૂંટણી દરમિયાન માર્ચ મહિનામાં કોંગ્રેસના અબડાસા, ધારી, ગઢડા, ડાંગ અને લીંબડી બેઠક પરથી અનુક્રમે પ્રદ્યુમનસિંહ, જે.વી. કાકડિયા, પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, સોમાભાઇ પટેલે રાજીનામા આપ્યાં હતાં.

ત્યાર બાદ જૂન મહિનામાં કરજણના અક્ષય પટેલ, કપરાડા બેઠક પરથી જિતુ ચૌધરી અને મોરબી બેઠક પરથી બ્રિજેશ મેરજાએ રાજીનામાં આપ્યાં હતાં, જેના પગલે ૮ બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઝોલલ ઓફિસરે શાળા પર આવી વીવીપેટ બદલ્યું હતું. ૪૭ મોકપોલ બાદ ખોટકાયું હતું. જેથી તાત્કાલિક બદલાયું હતું. મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે ઇવીએમ ધાંધિયા જોવા મળ્યા.

કાલિકા પ્લોટ વિસ્તારમાં ઇવીએમ મશીન હજુ પણ બંધ છે. તો સ્મિથ પ્રાથમિક સ્કુલમાં ૨૧૨ નંબરના બૂથમાં પણ ઇવીએમ બંધ હાલતમાં જોવા મળ્યા. બીજી તરફ, મોરબી માળિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાન કરવા કોંગી ઉમેદવાર જયંતિભાઇ પટેલ ઘરે પુજા કરીને પોતાના પરિવાર સાથે મતદાન મથક પહોંચ્યા હતા. તો ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ પણ પરિવાર સાથે મતદાન કર્યું. મતદાન સમયે બ્રિજેશ મેરજા અને તેમના પરિવારજનોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કરજણના વેમારડી ગામે ઈવીએમ ખોટકાયું હતું. મતદારો લગભગ ૩૦ મિનિટ સુધી કેન્દ્રની બહાર ઉભા રહ્યા હતા. છતા મતદાન શરૂ થયું ન હતું. ભાજપના ઉમેદવાર અક્ષય પટેલ લીલોડ ગામે મતદાન કરશે. આક્ષય પટેલે પરિવાર સાથે પૂજા અર્ચના કરી, વડીલોના આશીર્વાદ પણ મેળવ્યા. ગામના હનુમાન મંદિરે પરિવાર સાથે દર્શન કરીન પોતે જંગી મતોના લીડથી જીત મેળવશે તેવો દાવો વ્યક્ત કર્યો હતો. અબડાસામાં ભાજપ ઉમેદવાર પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પણ મોટી વિરાણી ગામમાં મતદાન મથકમાં મતદાન કર્યું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.