પહેલીવાર ૩ હજારથી વધુ મૃત્યુ, નવા ૩.૬૦ લાખથી વધુ કેસ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/corona-14-1024x768.jpg)
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની નવી લહેર દિન પ્રતિદન ખતરનાક બની રહી છે. છેલ્લા કેટલાક દિવસથી તો રોજેરોજ ૩ લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. જ્યારે મૃત્યુઆંક પણ વધવા લાગ્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩.૬૦ લાખથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે પહેલીવાર મૃત્યુઆંક ૩૦૦૦ પાર ગયો છે. સ્થિતિ દિન પ્રતિદિન ગંભીર બની રહી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે સવારે જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩,૬૦,૯૬૦ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૧,૭૯,૯૭,૨૬૭ પર પહોંચ્યો છે. જેમાંથી ૨૯,૭૮,૭૦૯ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક દિવસમાં ૨,૬૧,૧૬૨ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
જ્યારે ૩૨૯૩ લોકોના કોરોનાથી મોત થયા છે. આ સાથે કુલ રિકવર થયેલા દર્દીઓનો આંકડો ૧,૪૮,૧૭,૩૭૧ પર પહોંચ્યો છે જ્યારે કુલ મૃત્યુઆંક ૨,૦૧,૧૮૭ થયો છે. સતત વધી રહેલો મૃત્યુઆંક અને દૈનિક કેસનો આંકડો ભયજનક સ્થિતિ દર્શાવી રહ્યા છે. રસીકરણ અભિયાન હેઠળ દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧૪,૭૮,૨૭,૩૬૭ લોકોને રસી આપવામાં આવી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ૈંઝ્રસ્ઇ)ના જણાવ્યા મુજબ ગઈ કાલે (મંગળવારે) દેશભરમાં કુલ ૧૭,૨૩,૯૧૨ ટેસ્ટ હાથ ધરાયા હતા. આ સાથે અત્યાર સુધી દેશમાં ૨૮,૨૭,૦૩,૭૮૯ કોરોના ટેસ્ટ કરાયા છે.
દેશમાં કોરોના રસીકરણનો આગામી તબક્કો ૧ મેથી શરૂ થઈ રહ્યો છે. અત્યાર સુધી ૪૫ વર્ષથી ઉપરના લોકો જ કોરોનાની રસી મૂકાવી શકતા હતા પરંતુ ૧ મેથી સમગ્ર દેશમાં ૧૮ વર્ષ અને તેથી વધુ વયના દરેક વ્યક્તિ રસી માટે યોગ્યતાપાત્ર રહેશે. જાે કે આ તબક્કામાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ૧૮થી વધુ ઉંમરના લોકોએ રસી લેવા માટે પોતાનું ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત રહેશે. જે બુધવારે સાંજે ૪ વાગે શરૂ થઈ જશે. ૪૫ વર્ષથી ઉપરના લોકો માટે ઓનસાઈટ રજિસ્ટ્રેશનનો વિકલ્પ પહેલાની જેમ ઉપલબધ રહેશે.
કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્રમાં નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી રાત્રે જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાકમાં ૬૬,૩૫૮ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. આ સમય દરમિયાન ૬૭,૭૫૨ દર્દી રિકવર થયા છે. રાજ્યમાં અત્યાર સુધી ૪૪,૧૦૦,૮૫ લોકો કોરોનાની ઝપેટમાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૮૯૫ દર્દીઓના મોત થયા છે. આ એક દિવસમાં મોતનો અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે. રાજ્યમાં સોમવારે ૪૮,૭૦૦ નવા કેસ સામે આવ્યા હતા અને ૫૨૪ લોકોના મૃત્યુ થયા હતા.
મહારાષ્ટ્રમાં ૧૮ એપ્રિલે સૌથી વધુ ૬૮,૬૩૧ કેસ સામે આવ્યા હતા. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા ગઈ કાલે સાંજે જાહેર કરાયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૧૪૩૫૨ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કેસનો આંકડો ૫,૨૪,૭૨૫ પર પહોંચ્યો છે. રાજ્યમાં ગઈ કાલે ૭૮૦૩ દર્દી રિક્વર થયા. આ સાથે અત્યાર સુધીમાં કુલ ૩,૯૦,૨૨૯ લોકો કોરોનાને માત આપીને રિકવર થયા છે. એક જ દિવસમાં ૧૭૦ લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છો. આ સાથે રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુનો આંકડો ૬૬૫૬ પર પહોંચ્યો છે.