પહેલી વખત મતદાન માટે ગયેલા યુવકના નામે અન્ય કોઈ મતદાન કરી ગયો હોવાની આશંકા
રાજપીપળાના યુવાનનો મતાધિકાર છીનવાયો
રાજપીપળા, રાજપીપળાનો એક યુવાન લોકસભા ચૂંટણી માટે જીવનમાં પ્રથમ વખત મતદાન કરવા હોંશેહોંશે ગયો ત્યારે બુથ પર હાજર અધિકારીએ એને કહ્યું કે તમે તો મત આપી દીધો છે, જાવ બાકી પોલીસને બોલાવીશ. આમ રાજપીપળા લાલ ટાવર પાસે આવેલી પ્રયોજન વહીવટદારની કચેરીના બુથ ઉપર એક યુવાનને જીવનનો પહેલો મત આપવા જતાં જ કડવો અનુભવ થયો હતો. યુવાનનું કહેવું છે કે મારા નામ ઉપર અન્ય કોઈ બોગસ મતદાન કરી ગયું છે.
છોટાઉદેપુર લોકસભા બેઠક માટે રાજપીપળા જૂનકોટ વિસ્તારમાં રહેતા હર્ષ રાજેશ તડવી સવારે પ્રાયોજના વહીવટદાર કચેરીના બુથ ઉપર લોકસભા ચૂંટણી માટે જીવનનું પહેલું મતદાન કરવા ગયો હતો ત્યારે કતારમાં ઊભા રહ્યા બાદ જ્યારે તેનો નંબર આવ્યો ત્યારે બુથ ઉપર હાજર સ્ટાફે કહ્યું કે તું તો મતદાન કરી ગયો છે..!! ફરી કેમ આવ્યો…?
બોગસ મતદાન કરવા આવ્યો હોય તો પોલીસ બોલાવું..? આ ધમકી સાંભળી યુવાન ગભરાઈ ગયો અને પોતાની હાથની આંગળીઓ બતાવીને કહ્યું કે જુઓ હું મત આપવા આવ્યો જ નથી મારી એકપણ આંગળી પણ નિશાન નથી. ત્યારે બુથ પર હાજર સ્ટાફ પણ આચંબામાં મૂકાઈ ગયો અને ત્યાં ઓહાપોહ થયો. આ બાબતે હર્ષ તડવીએ જણાવ્યું કે, મારા નામે અન્ય કોઈ બોગસ મતદાન કરી ગયું છે અને મને હાજર સ્ટાફ પોલીસની ધમકી આપે છે.
આ બાબતે નાંદોદ પ્રાંત અધિકારી ડૉ.કિશનદાસ ગઢવીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, જો આવું બન્યું હોય તો આ યુવકને ટેન્ડર વોટ નાંખવા દેવાશે. આમાં એક નિયમ છે કે તમારા નામે બીજું કોઈ વોટ નાંખી ગયું હોય તો ટેન્ડર વોટ નાંખી શકાય છે. પહેલાં જે વ્યક્તિ આ યુવકના નામે બોગસ વોટ કરી ગયું તેનું શું..?
એ બાબતે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, આગલો બોગસ વોટ હમણાં કેન્સલ નહીં થાય પરંતુ જ્યારે કાઉન્ટીંગ થશે ત્યારે ઓર્બ્ઝવર નિર્ણય લેશે હમણાં તો આ યુવક ટેન્ડર વોટ નાંખી શકશે.