પાંચમાં તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ વસો ખાતે યોજાયો
નડીયાદ : પ્રજાલક્ષી યોજનાઓના લાભો પ્રજાજનો ને ઘર આંગણે પહોંચાડવા રાજય સરકારે સેવા સેતુ કાર્યક્રમનો નવરતર અભિગમ અપનાવ્યો છે. સેવા સેતુના માધ્યમથી નાગરિકોને રાજય સરકારની ૫૭ જેટલી વ્યકિતલક્ષી સેવાઓના લાભો એક જ સ્થળેથી આપવામાં આવે છે. જેના પરિણામે લોકોને તાલુકા કક્ષાએ કચેરીઓના ધકકા ખાવા પડતા નથી એટલું જ નહી નાણાં અને સમયનો વ્યય થતો નથી.
રાજયવ્યાપી સેવા સેતુના પાંચમા તબકકાનો પ્રારંભ ખેડા જિલ્લામાં વસો થી કરવામાં આવ્યો છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં છ ગામના નાગરિકો ઉમટી પડયા હતા. લાભાર્થીઓએ એક જ સ્થળેથી લાભ મળ્યાનો સંતોષ વ્યકત કરી રાજય સરકારનો આભાર વ્યકત કર્યો છે. વસોમાં ખારીકૂઇ વિસ્તા્રમાં રહેતા ૬૬ વર્ષીય શાંતાબેન રણછોડભાઇ મારવાડી મજુરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.
તેઓ સેવા સેતુ કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતા આયુષમાન કાર્ડ મેળવવા માટે આવ્યા હતા. તેઓએ જણાવેલ હતું કે, હાલ બિમારીમાં ખુબ ખર્ચ થતો હોઇ અમારા જેવા ગરીબ પરિવારો માટે આયુષમાન કાર્ડ ખૂબ જ ઉપયોગી થાય તેમ છે. અમે અમારી સારવાર સારી હોસ્પિટલમાં મફત કરાવી શકીશું. ખારીકૂઇ વિસ્તારના ૩૦ વર્ષીય વિધવા નિતાબેન હરીકિશન ચૌહાણએ જણાવ્યું હતું કે, મારે મારા કુટુંબમાં ત્રણ દિકરીઓ છે અને મારા પતિનું અવસાન થયુ છે.
હું ફકત ચાર ચોપડી સુધી ભણેલી હું પશુપાલન દ્વારા મારા ઘરનું ગુજરાન ચલાવું છું. આવી કારમી મોંધવારીમાં અને પતિની બિમારી વખતે તેમની સારવારમાં મને પૈસાની ખુબ તકલીફ પડી હતી. પરંતુ હાલ વસોમાં યોજાયેલ સેવા સેતું કાર્યક્રમમાં રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવતું આયુષમાન કાર્ડ મળવાથી હવે ગંભીર બિમારીમાં પણ હું મારી તેમજ મારી ત્રણ દિકરીઓની સારી સારવાર સારી હોસ્પિટલમાં કરાવી શકીશ તેનો મને આનંદ છે.
હું રાજય સરકારનો આભાર માનું છું. ખારીકૂઇ વિસ્તારના ૩૦ વર્ષીય કોમલબેન મહેશભાઇ ચૌહાણને ત્રણ દિકરી અને એક દિકરો છે. તેઓ તેમનું રેશનકાર્ડ ધરાવે છે. પરંતુ રેશનકાર્ડમાં તેમના બાળકનું નામ ઉમેરવાનું હોવાથી તેઓ સેવા સેતુના આ કાર્યક્રમમાં આવ્યા હતા.
તેઓના જણાવ્યાનુંસાર, આ સેવાસેતુના કાર્યક્રમમાં તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર હોવાથી જે તે અરજદારના કામનો તાત્કાલિક યોગ્ય નિર્ણય આવે છે અને કામ તરત પુરૂં થાય છે.
આજે અહિં ફકત ગણતરીની મિનિટોમાં મારા રેશનકાર્ડમાં મારા બાળકનું નામ ઉમેરી દેવામાં આવ્યું છે. આમ, રાજય સરકાર દરેક ગામે ગામ જઇને ગ્રામજનોને ઉત્તમ સેવા પુરી પાડી રહી છે તે બદલ અમો સરકારના આભારી છીએ.
વસોમાં રહેતા ૬૫ વર્ષીય મહેબુબમીયાં ઝબુમીયાં મલેક વસોમાં યોજાયેલ સેવાસેતુ કાર્યક્રમમાં આવ્યા હતા.
મજુરી કામ કરી ગુજરાન ચલાવતા મહેબુબમીયાંને ત્રણ બાળકો છે.
હું મારા માટે આ પેન્શન મેળવવા માંગતો હોઇ મારું સીનીયર સીટીઝનનું પ્રમાણપત્ર લેવા અહિં આવ્યો છું. અહિ આવવાથી મને સ્થળ ઉપર જ પ્રમાણપત્ર મળી ગયું છે. જેથી મારે કચેરીએ આવવા જવાના ધકકા માંથી મુકિત મળી છે. અને મારા કામનો ત્વરિત ઉકેલ આવવાથી હું ખુબ ખુશ છું.
વરિષ્ઠ પ્રમાણપત્ર મળતા હવે મને સીનીયર સીટીઝનના મળવાપાત્ર લાભો મળશે.આ પ્રસંગે જિલ્લા કલેક્ટર સુધીર પટેલ, માતર ના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, જિલ્લા નાયબ કલેક્ટર રમેશ મેરજા તેમજ અધિકારી ઓ ઉપસ્થિત રહ્યા હતા.