પાંચવાડા ગામનું સ્વયંભૂ સફાઇ અભિયાન, ગામને સાફસુથરૂ રાખવાની જનપહેલ
ચાર માસ પહેલા મહાનુભાવોએ પાંચવાડા ગામમાં સફાઇ અભિયાનમાં ભાગ લીધો એ બાદ હવે ગામના લોકો જાતે જ ગામને સ્વચ્છ રાખવા કટિબદ્ધ થયા
સ્વચ્છતા જ્યારે સ્વભાવ બની જાય ત્યારે જ ગુણાત્મક પરિવર્તન આવે છે. સફાઇ અને સ્વચ્છતા થકી સમાજ જીવનની શૈલી બદલવામાં સ્વચ્છ ભારત મિશને ઉદ્દીપકની ભૂમિકા અદા કરી છે. સ્વચ્છતાની બાબતને લોકઝૂંબેશ બનાવી રાજ્ય સરકારે આદરેલા યત્નના પરિણામો સ્પષ્ટ દેખાઇ રહ્યા છે. જૂઓને આપણે વાત કરીએ ગરબાડા તાલુકાના પાંચવાડા ગામની. ત્યાં ચારેક માસ પહેલા સફાઇ ઝૂંબેશ શરૂ કરવામાં આવી તે બાદ ગામમાં ચોખ્ખાઇનું પ્રમાણ વધ્યું છે.
ગત્ત વર્ષઋતુ દરમિયાન સ્થાનિક જળાશયો મેઘરાજાની મહેરબાનીથી છલોછલ ભરાઇ ગયા અને કુદરત પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા નમામી દેવી નર્મદેનો કાર્યક્રમ પાટા ડુંગરી ડેમ ખાતે યોજ્યો હતો. તેમાં સફાઇ અભિયાનને પણ સાથે જોડવામાં આવ્યું હતું.
પાટા ડુંગરી ડેમ ખાતે કાર્યક્રમ યોજાઇ તે પૂર્વે યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના અધ્યક્ષા સુશ્રી ભાવનાબેન દવે, કલેક્ટર શ્રી વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજ, ડીઆરડીએના નિયામક શ્રી સી. બી. બલાત સહિતના મહાનુભાવોએ પાંચવાડા ગામમાં સફાઇ કરી ગંદકીના થર દૂર કર્યા હતા.
તે વખતે ગામમાંથી ચાર ટ્રેક્ટર ભરાઇ એટલો કચરો સાફ કરવામાં આવ્યો હતો. ગ્રામજનો પણ આ સફાઇ અભિયાનમાં ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમની વિશેષ વાત એ હતી કે, ગામના પાદરમાં આવેલા પાનની દૂકાનોની આસપાસ પણ ગંદકી જોવા મળતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ દૂકાનધારકોને ગંદકીના ફેલાવવા સ્પષ્ટ સૂચના આપી હતી.
દૂકાનધારકોને પણ આ સફાઇ અભિયાનમાં જોડી, તેમની દૂકાનો પાસે આવેલી ગટરમાં રહેલો પ્લાસ્ટિકનો કચરો સાફ કરાવવામાં આવ્યો હતો. બાદમાં, તેમને ગંદકીના ફેલાવવા સંકલ્પબદ્ધ કરાવવામાં આવ્યા હતા.
સફાઇ અભિયાન બાદ પાંચવાડા ગામ ચોખ્ખુ ચણાક થઇ ગયું હતું. તેવી જ સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે. ગામની શાળા આસપાસ, પાદરમાં આવેલી દૂકાનો આસપાસ ગંદકી જોવા મળતી નથી. ગામના એક નાગરિક શ્રી કલ્પેશભાઇ ભૂરિયા કહે છે કે, કલેક્ટરશ્રી અને મહાનુભાવોએ અમને આપેલી સૂચના બાદ અમે કચરો જ્યાં ફેંકવાનું બંદ કરી દીધું છે. અમારા ધંધાની આસપાસ સફાઇ પણ નિયમિત રીતે કરીએ છીએ. એના કારણે જ ગામમાં સાફસુથરૂ રહ્યું છે. આમ, પાંચવાડા ગામને સ્વચ્છ ભારત મિશનનું બિડું ઝડપી લોકઆરોગ્યને વધુ તંદુરસ્ત બનાવવા કમર કસી છે.