પાંચ ઇંચ વરસાદથી રાજકોટ જળબંબાકાર
રાજકોટ, હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં સવારથી ખાબકેલા ૫ ઈંચ વરસાદથી ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. મળતી વિગતો પ્રમાણે રાજકોટમાં જોરદાર વરસાદના કારણે પોપટપરાના નાળા આસપાસના સેન્ટ્રલ જેલ, સંતોષીનગર, મફતિયાપરા, હંસરાજનગર, પરસાના, ગુરુદ્વારા અને શાસ્ત્રીનગરમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. પોપટપરા નાળું અને કાલાવડ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. રાજકોટ શહેરમાં પાણી ભરાતા વાહનચાલકો પણ પરેશાન બન્યા છે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ મવડી ગુરુકુલ વિસ્તારમાં પાસે પાણીના ધસમસતા પ્રવાહમાં કાર ફસાઈ ગઈ હતી. ભારે જહેમત બાદ સ્થાનિકોએ કાર ચાલકનો બચાવ કર્યો હતો. જોકે, ફોર્ય્યુનર કાર પાણીમાં ડૂબી ગઈ હતી.
આ ઉપરાંત શહેરના પરા બજાર અને પોપટપરા નાળામાં પાણીનો પ્રવાહ વધી જતાં ઠેર-ઠેર તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત શહેરના મોટા રસ્તાઓ પર પાણી ભરાઈ જવાને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદની આગાહીને લઈને આજે સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે. રાજકોટમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં ૫ ઈંચ વરસાદ નોંધાયો છે જેથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ખેતરોમાં પણ પૂરના પાણી ઘૂસી જતાં પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ રાજકોટ જિલ્લામાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ મુજબ ગોંડલમાં ત્રણ ઈંચ વરસાદથી પૂરના પાણી ઘૂસ્યા છે. રાજકોટ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આજી નદી બે કાંઠે વહેતા રામનાથપરા, જંગલેશ્વર, લલૂડી વોંકળી સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ભારે વરસાદને કારણે તંત્રએ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કર્યા છે. પોપટપરાનું નાળામાં પાણી ભરાતા બંધ કરવામાં આવ્યું છે. તેના આસપાસના વિસ્તારોમાં પણ ગળાડૂબ પાણી ભરાઈ ગયું છે.