પાંચ કિલો મીટરની ત્રિજ્યામાં એક ૧૦૮ નાગરીકોની સેવામાં
ગરમીમાં વધારે પ્રવાહી લેવાની સાથે જરૂર સિવાય બહાર નહીં નીકળવા અનુરોધ
(પ્રતિનિધિ દ્વારા)અમદાવાદ, રાજ્યમાં કાળઝાળ ગરમીનો માર્ચ મહિનામાં જ પ્રારંભ થઈ ગયો છે. મધ્યાહનેે તો સૂર્ય અગનગોળો થઈ જતો હોય એવી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. બપોરના સમયે ગરમ પવન ફૂંકાતા ચામડી દાઝી રહ્યાનો અહેસાસ થઈ રહ્યો છે.
અમદાવાદમાં ગરમીનો પારો ૪૦ ડીગ્રીને વટાવી ગયો છે. બપોરના સમયે ‘લૂ ફૂંકાતી હોય એવા ગરમ વાયરા વાતા મોટેભાગે લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. ગરમીને કારણે નાગરીકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે પ્રતિવર્ષની માફક ‘૧૦૮’ ની એમ્યુલન્સ સજ્જ થઈ ગઈ છે. અમદાવાદ જેવા શહેરમાં અસહ્ય ગરમી એપ્રિલ-મે મહિનામાં જાેવા મળતી હોય છે. આ વખતે તો માર્ચના અંતમાં જ શરૂ થઈ ગઈ છે.
કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પંખાની સાથે હવે એરકન્ડીન શરૂ થઈ ગયા છે. જાે કે રાત્રીના સમયે હજુ ધાબા- અગાસીઓમાં લોકોને સુવાની શરૂઆત કરી નથી.
લગભગ ચૈત્રી નવરાત્રી પછી લોકો ધાબા પર સુઈ જતા જાેવા મળશે. દરમ્યાનમાં ૧૦૮ની સેવા અંગે પૂછપરછ કરતા સુત્રોમાંથી જાણવા મળ્યુ હતુ કે રાજ્યમાં હાલમાં ૮૦૦ જેટલી એમ્બ્યુલન્સ કાર્યરત છે. અમદાવાદ શહેરમાં ૧રર જેટલી એમ્બ્યુલન્સ માર્ગ પર દોડી રહી છે.
અમદાવાદ માં પાંચ કિલોમીટરે એક ૧૦૮ ની એમ્બ્યુલન્સને ગોઠવવામાં આવી છે. જે ખુબ જ ઝડપથી પહોંચી જાય છે. કોરોનાકાળમાં પણ ૧૦૮ની કામગીરી ઉતમ રહી હતી.
હાલમાં ગરમીનુૃ પ્રમાણ વધતા માથુ દુઃખાવુ, ઝાડા-ઉલ્ટી-વામીટીંગ , બ્લડપ્રેશર તથા છાતીમાં દુઃખાવાના કેસો વધે એવી શક્યતાઓ છે. ત્યારે નાગરીકોને ગરમીમાં કામ સિવાય બહાર નહી નીકળવા અને જાે બહાર નીકળવાનુૃ થાય તો પ્રવાહી વધારે પ્રમાણમાં લેવા જણાવ્યુ છે. સીધો તડકો ન પડે એ માટે માથે ટોપી અગર તો છત્રીનો ઉપયોગ હિતાવહ છે. સાથે સાથે બહારના અખાદ્ય પદાર્થો પાણી પીવાથી તકેદારી રાખવા જણાવાયુ છે.