Western Times News

Gujarati News

પાંચ કોવિડ વિજય રથના માધ્યમથી 21 દિવસમાં 5 લાખ ઉપરાંત લોકો સાથે સંપર્ક થયો

રથ પર સવાર કલાકારોના હસ્તે મોટા પ્રમાણમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓ તથા માસ્કનું નિઃશુલ્ક વિતરણ

રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભ્રમણ કરી રહેલા પાંચ કોવિડ વિજય રથે એકવીસ દિવસમાં પાંચ લાખ ઉપરાંત લોકોનો સંપર્ક સાધવાનો યશ મેળવ્યો છે. સાથે-સાથે 39,500થી વધુની આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. આજે બાવીસમાં દિવસે આ પાંચ રથ ડાંગ, પંચમહાલ,  મહેસાણા, મોરબી અને બોટાદમાં  ભ્રમણ કરી જનજાગૃતિ અભિયાન આગળ ધપાવી રહ્યા છે.

રાજ્યભરમાં જિલ્લા, તાલુકા, નગરો, ગામ અને આંગણે કોવિડ જાગૃતિનો પ્રચાર-પ્રસાર, માસ્ક તથા આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું વિતરણ અને કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી, પ્રજા માટેની પહેલો વિશે માહિતગાર કરવા ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યૂરો, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફના સંયુક્ત પ્રયાસોથી 7 સપ્ટેમ્બરના રોજ 44 દિવસ સુધી ચાલનારા કોવિડ વિજય રથ અભિયાનને શરુ કરવામાં આવ્યું હતું. ‘સાવચેતીને સંગ, જીતીશું જંગ’ ના ઉત્તમ અને ઉત્કૃષ્ટ નારા સાથે રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી વિજય રુપાણીએ ગાંધીનગરથી વર્ચ્યુઅલ સ્વરૂપે 5 કોવિડ વિજય રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ 5 રથ રાજ્યના 5 જુદા-જુદા ઝોન સુરત, જુનાગઢ, ભુજ, પાલનપુર અને અમદાવાદથી પ્રસ્થાન થયા હતા.

કોવિડ વિજય રથનો મુખ્ય હેતુ લોકોને કોવિડ અંગે સાવચેતી, સલામતી, સલાહ, સૂચન અને પ્રજાના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખીને પ્રચાર-પ્રસાર તથા માહિતગાર કરવાનો છે. સામાજિક અંતરનું પાલન થાય તે હેતુથી આ 5 રથ પર મર્યાદિત સંખ્યામાં માત્ર 4 કલાકારો હોય છે. અત્યાર સુધી એકવીસ દિવસમાં કુલ 220 લોક કલાકારોએ પરંપરાગત માધ્યમો જેવા કે ભવાઈ, નાટક, લોકસંગીત, ડાયરો, જાદુ દ્વારા તેમજ સ્ટેન્ડી મૂકી આશરે પાંચ લાખથી વધુ લોકોનો સામાજિક અંતરનું પાલન, માસ્કનો ઉપયોગ તથા સ્વચ્છતાને ધ્યાનમાં રાખી સંપર્ક સાધ્યો હતો.

કલાકારોએ નાગરિકોને કોરોના જાગૃતિ સંદેશ જેવા કે સામાજિક અંતરની જાળવણી, માસ્ક ફરજિયાત પહેરવાની અનિવાર્યતા, અફવાઓથી દૂર રહેવાની સલાહ, કેવી સાવધાની રાખવી તેની માહિતી તેમજ જો કોરોનાના પ્રાથમિક લક્ષણો પણ દેખાય તો તરત સારવાર લેવાની વાત, મહિલા અને બાળકોમાં પોષણનું મહત્વ તેમજ સરકારની વિવિધ પહેલ જેવી કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના,

આત્મનિર્ભર ભારત યોજના, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ, પીએમ એગ્રિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડની રચના, માનવસંપર્ક રહિત આવકવેરાની આકારણી, ખેડૂતોના ઉત્પાદનનું વેચાણ અને વાણિજ્ય (પ્રોત્સાહન અને સુવિધા) બિલ, 2020, કિંમતની ખાતરી અંગે ખેડૂતો (ઉત્થાન અને તેમના હિતોનું રક્ષણ)ની સમજૂતી અને કૃષિ સેવા બિલ, 2020 વગેરે વિશે સાચી અને સચોટ માહિતી સાદી અને સરળ ભાષામાં પહોંચાડી હતી.

આ પાંચેય રથે અત્યાર સુધીમાં અમદાવાદ, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, જુનાગઢ, રાજકોટ, અમરેલી, બોટાદ, કચ્છ અને મોરબી જેવા જિલ્લાઓમાં આશરે 5000 કિલોમીટરનું ભ્રમણ કરી માસ્ક તથા 39,500થી વધુની આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન રથ પર સવાર કલાકારો દ્વારા કોરોના વિનર્સ એટલે કે જેમણે આ કોરોનાને માહત આપી હોય તેવા લોકોનું સન્માન કરવામાં આવી રહ્યું છે.

આ 5 રથ નિત્ય ક્રમ મુજબ રોજ સવારે 10 વાગે પોતાની યાત્રા શરુ કરે છે અને ગામે-ગામ ભ્રમણ કરી લોકોને જાગૃત કરીને દરરોજ લગભગ 50 કિલોમીટરનું અંતર કાપીને સાંજે 4 વાગે રોકાણ કરે છે. આવતીકાલે ત્રેવીસમા દિવસે પણ તમામ નિયમોના પાલન સાથે આ પાંચેય રથ તેમની અવિરત યાત્રાને આગળ ધપાવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.