પાંચ દાયકા બાદ સાપુતારાના વિસ્થાપિતોને જમીનના હક્કપત્રો અપાયા
નિર્ણાયક રાજ્ય સરકારે અડધી સદી જુના જટિલ પ્રશ્નનુ કર્યું સુખદ સમાધાન
(ડાંગ માહિતી બ્યુરો)ઃ આહવા, વિસ્થાપિતોની લાંબી લડતના સુખદ નિકાલ બદલ, વિસ્થાપિત પરિવારોની ખુશી અને આનંદ જાેઈને હર્ષાશ્રુ સાથે ગદગદ થયેલા, ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, હંમેશા એક છુપા ભય વચ્ચે તેમના પરિવારજનોની સાથે રહેતા વિસ્થાપિતોને,
આ સરકારે ખૂબ જ હકારાત્મક્તા સાથે સોનાની લગડી જેવી જમીનનો પ્લોટ, માત્ર એક રૂપિયાના ટોકન દરે આપીને, વિસ્થાપિતોની સમસ્યા પ્રત્યે સંવેદનશીલતા દાખવી છે, તેમ જણાવ્યુ હતુ. વિસ્થાપિતોના કલ્યાણની ભાવના સાથે હંમેશા કાર્યરત ભાજપા સરકાર, ક્યારેય પણ આદિવાસીઓનુ અહિત નહીં કરે તેવો વિશ્વાસ બુલંદ કરવાની પણ તેમણે હાંકલ કરી હતી.
આદિવાસીઓને હંમેશા લાચાર, ગરીબ અને અશિક્ષિત રાખીને પોતાનો રાજકીય રોટલો શેકતા તત્વોને ઓળખી લેવાની હાંકલ કરતા, આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઇ પટેલે, વિસ્થાપિત પરિવારોની નવી પેઢીને શિક્ષણ સાથે કારકિર્દી ક્ષેત્રે અગ્રેસર કરવાની પણ અપીલ કરી હતી.
સાપુતારાના ભવિષ્યની રૂપરેખા નજર સમક્ષ રાખીને, પોતાને મળેલા અતિકિંમતી પ્લોટને, કોઈ પણ લાભાર્થી ક્યારેય નજીવા લોભ કે લાલચના કારણે વેચે નહીં, તેની તકેદારી રાખવાની હિમાયત કરતા ડાંગના પ્રભારી મંત્રીશ્રીએ, આ પ્લોટ વિસ્થાપિતોની ભાવિપેઢીને તારશે તેમ જણાવ્યુ હતુ.
આદિવાસી સમાજને અશિક્ષિત રાખી, લાચારીમા સબળતા રાખવાનુ પાપ કરનારા, તત્કાલિન શાસકોએ કરેલા અપરાધને ભુલી, આપણે આદિવાસી સમાજને સુવિધાઓથી સંપન્ન કરવાના છે, તેવી નેમ પણ મંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
દર માસે ૧.૨૦ લાખ મે.ટન ઘઉં, અને ૬૦ હજાર મે.ટન ચોખા મળી કુલ ૧ લાખ ૮૦ હજાર મે.ટન અનાજ, વિના મૂલ્યે આપવા સાથે, તેટલુ જ અનાજ સસ્તા દરે આપીને રાજ્ય સરકારે ભૂખ્યાજનોની જઠરાગ્નિને શાંત કરી છે તેમ જણાવ્યુ હતુ. મંત્રીશ્રીએ જેમને જમીન મળી છે તેમને સુખ સમૃદ્ધિની કામના સાથે, ભાવિપેઢીને સુખી ભવિષ્યની ભેટ આપવાની અપીલ કરી હતી.
નવાગામના લાભાર્થીઓ વતી કેટલાક લાભાર્થીઓએ મુખ્ય સ્ટેજ ઉપરથી તેમના પ્રતિભાવો રજૂ કર્યા હતા. પુંડલિકભાઈ તથા યશવંતરાવ એ, રાજ્ય સરકારનો ઋણ સ્વિકાર કરતા, આજે તેમને સાચુ સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયુ છે, તેમ જણાવ્યુ હતુ.
છ છ દાયકાઓની લડત અને રજૂઆત બાદ આજે મળેલા જમીનના હક્ક બદલ, સર્વશ્રી પુંડલિકભાઈ ગાંગુર્ડે તથા યશવંતરાવ પવારે ગદગદ કંઠે, રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રદર્શિત કરી હતી. પોતાને મળેલ જમીનના હક્કપત્રોનો, આ ઐતિહાસિક દિવસ છે તેમ પણ તેમણે વધુમા ઉમેર્યું હતુ.
ઉલ્લેખનિય છે કે, આજે રાજ્ય સરકાર વતી આદિજાતિ વિકાસ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે, કુલ ૨૪૨ લાભાર્થી વિસ્થાપિતોને જમીનના હક્કપત્રો એનાયત કરાયા હતા.