પાંચ વર્ષ બાદ IPLને મળી નવી ચેમ્પિયન ટીમ
અમદાવાદ, આઈપીએલ-15માં ગુજરાત ટાઈટન્સે ડેબ્યુ કર્યા બાદ એક પણ ક્રિકેટ નિષ્ણાત એવું માનતા નહોતા કે આ ટીમ પ્લેઑફ સુધી પણ પહોંચી શકશે ! જો કે તમામ ગણતરીઓને ઉંધી વાળી ગુજરાત ટાઈટન્સે પ્લેઑફ જ નહીં બલ્કે ફાઈનલમાં જીત મેળવીને ટ્રોફી ઉઠાવી છે. આ સાથે જ ડેબ્યુ સીઝનમાં ચેમ્પિયન બનનારી ગુજરાત બીજી ટીમ બની છે.
આ પહેલાં આઈપીએલની 2008ની પ્રથમ સીઝનમાં જ રાજસ્થાન રોયલ્સની ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે પાંચ વર્ષ બાદ ટૂર્નામેન્ટને ગુજરાતના રૂપમાં નવી ચેમ્પિયન પણ મળી છે. 2008માં રાજસ્થાને પહેલી સીઝન જીત્યા બાદ તે 14 વર્ષ બાદ ટૂર્નામેન્ટના ફાઈનલમાં પહોંચી હતી.
આઈપીએલની બે સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ પોઈન્ટ ટેબલમાં સૌથી તળિયે રહેતાં પાંચ વર્ષ બાદ આઈપીએલને નવો ચેમ્પિયન મળ્યો હતો કેમ કે પાછલા પાંચ વર્ષમાં ચેન્નાઈ અને મુંબઈએ જ આઈપીએલ જીત્યા હતા. જ્યારે 2016માં સનરાઈઝર્સ હૈદરાબાદે ટ્રોફી પર કબજો કર્યો હતો.
This stadium is a cricket theatre of world cricket. pic.twitter.com/5TCNi522eI
— Johns. (@CricCrazyJohns) May 29, 2022
આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ ટ્રોફી જીતવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડિયન્સના નામે છે. ટીમે પાંચ ટ્રોફી પોતાના નામે કરી છે જ્યારે મોટાભાગની સીઝનમાં પ્લેઓઈફમાં જગ્યા બનાવનારી ચેન્નાઈએ ચાર ટ્રોફી જીતી છે. આ ઉપરાંત કોલકત્તાએ બે, હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને ડેક્કન ચાર્જર્સે એક-એક વખત ખીતાબ પોતાના નામે કર્યો છે.
આઈપીએલ-2016માં હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ફાઈનલમાં જગ્યા બનાવી હતી જેમાં હૈદરાબાદે બેંગ્લોરને આઠ રને હરાવ્યું હતું. આ પછી હૈદરાબાદે ખીતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારપછી ત્રણ વખત મુંબઈ અને બે વખત ચેન્નાઈ સુપરકિંગ્સ ચેમ્પિયન બની ચૂક્યા છે. જો કે પાંચ વર્ષ બાદ બે નવી ટીમ ફાઈનલ રમવા ઉતરી હતી.