પાંચ શખ્સોનો તલવારથી હુમલો કરી યુવાનની હત્યાનો પ્રયાસ
પોરબંદર, રાણાવાવ પાસેના ઝારેરાનેસમાં બાપા સીતારામની મઢુલી પાસે રહેતા ગોગન કારા મોરી નામના યુવાન પર નારણ સુકા મોરી, બધા લાખા મોરી, દાસા લાખા મોરી, ભોલા નાથા મોરી અને રાજા જીવા મોરી નામના શખસોએ ઝઘડો કરી તલવારથી હુમલો કરી નાસી છુટ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ગોગન મોરીને હોસ્પિટલમાં ખસેડાયો હતો.
પોલીસે હાથ ધરેલી તપાસમાં ઈજાગ્રસ્ત ગોગન મોરી સહિતના ગામમાં ખોટી વાતો કરે છે તેવી શંકા રાખીને નારણ સુકા મોરી સહિતના શખસોએ હુમલો કર્યો હતો. પોલીસે વીસા કારા મોરીની ફરિયાદ પરથી પાંચેય હુમલાખોરો સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શોધખોળ શરૂ કરી હતી.
સાઈકલ સવાર વૃદ્ધનું મૃત્યુઃ કુંભારવાડામાં એકલા રહેતા અને અપરિણીત તથા માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા અશોકભાઈ ચુનીલાલ નાઢા નામના વૃદ્ધ ગઈકાલે નરસંગ ટેકરી પાસેની ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાઈ ધીરજલાલના ઘેર બેસવા ગયા હતા અને ત્યાંથી જમીને ઘેર જવા માટેથી સાઈકલ લઈને નીકળ્યા હતા.
દરમિયાન એચ.એમ.પી. કોલોનીના રેલવે ફાટક પાસે અજાણ્યા બાઈકસવારે અડફેટે લેતા અશોકભાઈ ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજયું હતું. આ અંગે ધીરજલાલ નાઢાની ફરિયાદ પરથી ઉદ્યોનગરમાં રહેતા બાઈકસવાર વિશાલ ઉર્ફે વીકી નાગાજણ ગોરાણિયા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.