પાંચ સંતાનોની માતાને મોટાભાઇએ ૩ લાખમાં વેચી
પાટણ: સાંતલપુરની એક પરિણીતા પતિ સાથે અણબનાવ થતા પાટણ અલગ રહેતી હતી. આ મહિલાને સંતાનોમાં ચાર દીકરી અને એક દીકરો છે. આ મહિલાને તેના ભાઇએ રાજસ્થાનના શખ્સ સાથે ઘર બનાવવા માટે ત્રણ લાખમાં વેચી દીધી હતી. મહિલાના ભાઇએ મહિલાની મરજી વિરુદ્ધ હાથ બાંધીને કારમાં બેસાડી દીધી હતી. મહિલાને ૧૦ દિવસ એક ઘરમાં માર મારીને ગોંઘી રાખી હતી.
તે તક જાેઇને ઘરમાંથી ભાગીને પાટણ આવી ગઇ હતી. જ્યાં મહિલાએ આ અંગેની ફરિયાદ નોંધાવી છે. આ મહિલા હાલ હૉસ્પિટલમાં સારવાર લઇ રહી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, પાટણમાં નવા બસ સ્ટેશન પાછળની ઝૂંપડપટ્ટીમાં ૪૫ વર્ષના આમુબેન સુમારભાઈ મધરા રહે છે. તેમના લગ્ન વીસ વર્ષ પહેલા રાધનપુરના કાસમભાઈ હારૂનભાઇ મધરા સાથે થયા હતા. તેઓના લગ્ન જીવન દરમિયાન તેમને સંતાનમાં ચાર દીકરીઓ અને એક દીકરો છે. છેલ્લા ઘણા સમયથી પતિ સાથે બોલાચાલી થતા તેઓ અલગ રહેતા હતા.
બહેન વાદળીથર પહોચી ત્યારે તેના મોટાભાઈ, મામા સહિતના લોકોની હાજરીમાં રાત્રે ઈકો ગાડીમાં ચાર માણસો આવ્યા હતા. જેઓ રાજસ્થાનના ખમીસાભાઈ ઉર્ફે ભમરો હયાતભાઈ રાઉમાની ઓળખ કરાવી તેમની સાથે તારે લગ્ન કરી રાજસ્થાન જવાનું છે તેવું ધમકીભર્યા સુરમાં કહ્યું હતુ. પરંતુ આમુબેને સ્પષ્ટ ના પાડી દીધી હતી. પરંતુ ભાઇએ મહિલાના હાથ બાંધીને બળજબરીથી તેને ગાડીમાં બેસાડી દીધી હતી.
જે બાદ ત્રણ લાખ રૂપિયાની લેતી દેતી કરી હતી. ત્યારબાદ આમુબેનને રાજસ્થાનના એક ગામમાં દસેક દિવસ ગોંધી રાખીને રોજ માર મારતા હતા. તેથી આમુબેન ત્યાંથી ભાગવાની ફિરાકમાં જ હતા. ૨૦ ફેબ્રુઆરીની રાતે જ્યારે બધા સુતા હતા ત્યારે મહિલાને ભાગવાની તક મળી હતી અને તે પાટણ પહોંચી ગયા હતા. આમુબેને સિવિલ હોસ્પિટલમાં સારવાર લધી હતી અને ત્યાંથી જ તેમણે પોલીસમાં આ અંગેની ફરિયાદ કરી હતી. મહિલાએ વારાહી પોલીસ મથકમાં તેમના ભાઇ સાથે નવ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલાની તપાસ હાલ ચાલી રહી છે.