પાંજરાપોળ ચાર રસ્તા પર ગોઝારો અકસ્માત, મહિલાનું ઘટના સ્થળે મોત
અમદાવાદ, પાંજરાપોળ ચાર રસ્તા પાસે અકસ્માતનો વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં પતિ સાથે જઈ રહેલાં વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ અકસ્માતને પગલે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. બનાવના પગલે ચક્કાજામના દ્રશ્યો સર્જાયા હતા. આ જ જગ્યાએ અકસ્માતનો બીજો બનાવ બનાવાથી લોકોમાં આક્રોશ જોવા મળ્યો.
બનાવની મળતી વિગતો અનુસાર સુભદ્રાબેન લક્ષ્મણભાઈ ચોક્સી નામના મહિલા આજે બપોરે 12.30 કલાકના અરસા દરમિયાન તેમના પતિ સાથે યુનિવર્સિટી થી નહેરુનગર જઈ રહ્યાં હતા તે દરમિયાન પાંજરાપોળ ચાર રસ્તા નજીક ડમ્પરની અડફેટે આવતા મહીલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મૃતક મહિલા નીલકંઠ એલીદગન્ટ, રેડિયો મીર્ચિર રોડ, સેટેલાઈટ ખાતે રહે છે. અકસ્માતના સ્થળેથી જ રામબારાઈ ચૌહાણ ડમ્પર ચાલક ભાગવાની કોશિશ કરી હતી પરંતુ ત્યાં હાજર લોકોએ ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ડમ્પર ચાલકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.