પાંડેસરા વિસ્તારમાં બૂટલેગરે યુવકની જાહેરમાં જ હત્યા કરી
(એજન્સી) સુરત, શહેરના પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બૂટલેગરે યુવકની જાહેરમાં હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર બુટલેગરદારૂનો વેપાર કરવા માટે જગ્યાની માંગણી કરતા તે જગ્યાના માલિકે આપવાની ના પાડતા બુટલેગરે આવેશમાં આવીને તેના દીકરાની ચપ્પુના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બુટલેગર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરા પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર મૂળ ઉત્તર પ્રદેશના અને પાંડેસરામાં રહેતા શિવકુમાર જયનાથ પાલ પશુપાલન કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
તેઓ છેલ્લા ૩૦ વર્ષથી સુરતમાં પરિવાર સાથે જ રહે છે. પરિવારમાં તેમની પત્ની ૩ દીકરી અને બે દીકરા છે. ફરિયાદ અનુસાર ૩ વર્ષ પહેલા ૨૦૧૯માં ગણેશ અનિલ દુબે તેમના મોટા દીકરા ક્રિષ્ના પાસે પ્લોટ નંબર ૨૧૫-૨૧૬ ભાડેથી માંગ્યો હતો જે આપવાની ના પાડતા ઝઘડો થયો હતો.
મારામારી દરમિયાન ગણેશ દુબેને ગળાના ભાગે ચપ્પુ વાગતા જતા શિવકુમારના ભાઈ સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે સમયથી ગણેશ દુબે અને શિવકુમાર વચ્ચે અદાવત ચાલી રહી હતી. તે સમયથી ગણેશ મોટા દીકરા ક્રિષ્નાને મારવાની ફિરાકમાં હોવાથી તે થોડા સમય માટે વતન જતો રહ્યો હતો અને ત્યાંથી કામઅર્થે મુંબઈ ગયો હતો.
આ દરમિયાન તે ૧૨ દિવસ પહેલા જ ક્રિષ્ના સુરત ખાતે ઘરે આવ્યો હતો. જ્યાં ૧૩ મેના રોજ સાંજના આશરે ૬ વાગ્યે શિવકુમાર તબેલામાં ગાયોને ચારો આપતા હતા તે વખતે ગણેશ અનિલ દુબે તેમના ઘરે પહોંચી ગયો હતો અને ક્રિષ્ના સાથે ઝઘડો કરતા દીકરી પ્રિયંકાએ તેને ઝઘડો કરવાની ના પાડતા ગણેશે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.