પાકને વરસાદથી થયેલ નુકસાન સામે ઉદાર સહાય પેકેજથી પડખે ઉભી રહેતી રાજ્ય સરકાર
મુખ્યમંત્રીશ્રીએ વિધાન ગૃહમાં જાહેર કર્યું રૂ. ૩૭૦૦ કરોડનું સહાય પેકેજ –જગતના તાતની વિપદામાં સંવેદનશીલતાથી સહાય જાહેર કરતાં મુખ્યમંત્રીશ્રી
દિવસે નિયમ-૪૪ અન્વયે નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન સામે ઉદાર પેકેજની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે.
આ સંદર્ભમાં શ્રી વિજયભાઈ રૂપાણી ઉમેર્યુ કે, ઓગસ્ટ-૨૦૨૦માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે.
આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.
મુખ્યમંત્રીશ્રીએ વિધાનસભાગૃહમાં નિયમ-૪૪ અન્વયે કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘‘રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થયેલ હતી. શરુઆતના તબક્કામાં ખેતીને અનુકુળ માફક સરનો વરસાદ થયેલ હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા.
પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાનના અહેવાલ છે’’.
ઉપરાંત આ અંગે ખેડુતો, ખેડુત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓ દ્વારા પણ રજુઆતો કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વિગેરે પાકોમાં નુકશાન થવા પામેલ છે.
રાજ્ય સરકારે અવાનરવાર જાહેરાત કરેલી છે કે, રાજ્યના ખેડૂતોને ૩૩ ટકા અને તેથી વધારે પાક નુકશાન થયેલ હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.
વર્ષ ૨૦૧૮-૧૯માં દુષ્કાળ જેવી પરિસ્થિતી હતી, ત્યારે રાજયના ૫૧ તાલુકાઓ દુષ્કાળગ્રસ્ત અને ૪૫ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરી ખેડુતોને થયેલ ખેતી પાકોના નુકશાનમાં મદદરૂપ થવા માટે સહાય ચુકવવા નિર્ણય લીધેલો હતો.
વર્ષ ૨૦૧૯-૨૦માં પણ રાજ્યમાં કમોસમી વરસાદને કારણે થયેલ નુકશાનમાં રાજ્યના તમામ ખેડુતોને આવરી લેતુ રૂ. ૩૭૯૫ કરોડનું ઐતિહાસિક “કૃષિ સહાય પેકેજ” જાહેર કરેલ હતું.
હવે, ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં તા. ૧૯-૦૯-૨૦૨૦ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના ૨૦ જિલ્લાઓના ૧૨૩ તાલુકાના અંદાજીત ૫૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત ૩૭ લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.
આ માટે રૂ. ૩૭૦૦ કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ છે.
જેમાં ૩૩% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ ૨ હેક્ટર માટે રૂ. ૧૦,૦૦૦ પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂ. ૫૦૦૦ ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.
આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત ૨૭ લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે.
એટલું જ નહીં, રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે.
આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે તા: ૧-૧૦-૨૦૨૦ થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે.
અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.