પાકિસ્તાનઃ દૂધ, ઘઉં અને ખાંડ સહિતની વસ્તુઓના ભાવ આસમાને

કરાંચી, દેવાળું ફૂંકવાના આરે પહોંચેલા પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મુકી છે. પાકિસ્તાનમાં દૂધ. અને ઘઉંના લોટ બાદ હવે ખાંડના ભાવમાં પણ ધરખમ વધારો થતાં જીવનજરૂરીયાતની તમામ ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચ્યા છે. પાકિસ્તાનમાં એક કિલો ખાંડનો ભાવ 85 રૂપિયા પર પહોંચી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અહીં 50 કિલોની ખાંડની બોરીની કિંમત 4 હજાર રૂપિયામાં મળી રહી છે. તાજેતરમાં જ ઘઉંના લોટની કિંમતોમાં ભારે વધારો થયા બાદ હવે ખાંડ પણ આમ આદમીની પહોંચની બહાર થઇ ગઇ છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર લાહોરમાં સામાન્ય ગુણવતાવાળી ખાંડનો ભાવ 85 રૂપિયા છે. કરાંચી તેમજ અન્ય શહેરોમાં ખાંડના ભાવ સતત વધી રહ્યા છે.
લોકોની માંગણી છે કે સરકાર તાત્કાલિક દખલગિરી કરી ખાંડની કિંમતો પર કાબૂ મેળવે. પરંતુ સરકાર દ્વારા ભાવ કાબૂમાં લેવા કોઇ પ્રયાસો લેવામાં નથી આવી રહ્યા. પાકિસ્તાનમાં દરરોજ સરેરાશ દોઢ કરોડ કિલો ખાંડનો વપરાશ થાય છે. આ હિસાબે જોઇએ તો નફાખોરો દરરોજ 15 કરોડ રૂપિયાથી વધુની વધારાની કમાણી કરી રહ્યા છે.