પાકિસ્તાનઃ દેવુ કરવામાં ઈમરાનખાન સરકારે 75 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો

File
નવી દિલ્હી, પાકિસ્તાનના પીએમ ઈમરાનખાન સત્તા લગભગ ગુમાવી ચુકયા છે. ઈમરાનખાનના શાસનકાળમાં પાકિસ્તાને લોન લેવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
પાકિસ્તાનમાં ઈમરાનખાન સરકારના ત્રણ વર્ષના શાસનકાળમાં દેશે 18 ખરબ રૂપિયાના દેવાનો ઉમેરો કર્યો છે. જે છેલ્લા 75 વર્ષમાં પાકિસ્તાન પર થયેલા દેવા કરતા વધારે છે.
સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાને જાહેર કરેલા આંકડા પ્રમાણે ઈમરાખાન સરકારે લીધેલી રેકોર્ડ બ્રેક લોનોના કારણે પાક સરકાર પરનુ દેવુ વધીને 42.8 ટ્રિલિયન થઈ ગયુ છે. જેમાં ઈમરાખાનના શાસનમાં લેવાયેલી 18 ખરબ રૂપિયાની લોન સામેલ છે.
આ પહેલા ઈમરાન ખાનની વિરોધી બે પાર્ટીઓ પીએમએલ એન અને પીપીપીએ 10 વર્ષમાં 18 ટ્રિલિયન ડોલરનુ દેવુ કર્યુ હતુ. જોકે આ આંકડાને ઈમરાખાન સરકાર ત્રણ વર્ષમાં જ વટાવી ગઈ છે.
આંકડા પ્રમાણે ઈમરાખાની સરકારે 2018 થી 2022 સુધીમાં રોજ 14.2 અબજ રૂપિયાનુ દેવુ ઉમેર્યુ હતુ. જેના કારણે આ સમયગાળામાં જાહેર દેવાની રકમમાં 73 ટકાનો વધારો થયો હતો.
પોતાના પૂરા શાસનકાળ દરમિયાન દેવુ ઓછુ કરવાના મોરચા પર ઈમરાનખાન સરકાર નિષ્ફળ સાબિત થઈ છે. વિદેશી દેવામાં પણ ઈમરાનખાન સરકારના શાસનમાં 90 ટકાનો વધારો થયો હતો. આ દેવુ પણ 15 ખરબ રૂપિયા થઈ ગયુ છે.