પાકિસ્તાનઃ લાહોરના અનારકલી માર્કેટમાં સિરિયલ બ્લાસ્ટ, એક બાળક સહિત પાંચનાં મોત

લાહોર, પાકિસ્તાનમાં ગુરુવારે વધુ એક આતંકી હુમલો થયો. ગુરુવારે બપોરે લાહોરના ઐતિહાસિક અને જાણીતા અનારકલી માર્કેટ બોંબ વિસ્ફોટ થયો. જેમાં એક બાળક સહિત 5 લોકોનાં મોત નિપજ્યા છે, જ્યારે 20 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ઘાયલોની સ્થિતિ વધુ ગંભીર ગણાવવામાં આવી રહી છે. પ્રાથમિક રિપોટ્સ મુજબ આ માર્કેટ ઘણી જ ભીડ હોય છે અને અહીં પાર્કિંગની કોઈ જ વ્યવસ્થા નથી. અહીં અતિવ્યસ્ત ટ્રાફિક વચ્ચે એક બાઈક પાર્ક કરાયેલી હતી, જેમાં જ ઈમ્પ્રોવાઈસ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ એટલે કે IED લગાડવામાં આવ્યો હતો.
લાહોર પોલીસના પ્રવક્તા રાના આરિફે ડોન ન્યૂઝને જણાવ્યું કે- ઘટના ગુરુવાર બપોરની છે. અહીંના અનારકલી માર્કેટમાં તે સમયે ઘણી ભીડ હતી. અહીં સામાન્ય દિવસોમાં પણ લોકો વાહન ગમે ત્યાં પાર્ક કરી દેતા હોય છે. જ્યાંથી સામાન્ય લોકો પસાર થાય છે તે મુખ્ય માર્ગ પર એક બાઈક ઊભી હતી, જેમાં જ IED પ્લાન્ટ કરાયો હતો.
આ બાઈકમાં જ વિસ્ફોટ થયો હતો. પોલીસે મૃતકની સંખ્યા 3 જણાવી છે, જ્યારે કેટલાંક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 5 લોકોને જીવ ગુમાવ્યા છે. 20 લોકો ઘાયલ છે, જેમાંથી મોટા ભાગની સ્થિતિ ગંભીર છે. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
લાહોર પંજાબ પ્રાંતનું શહેર છે. અહીંના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદારે ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે. નેશનલ એન્ટી ટેરર ડિપાર્ટમેન્ટને તપાસ સોંપવામાં આવી છે. બુઝદારે આ મામલે 24 કલાકની અંદર પોલીસને રિપોર્ટ આપવાના આદેશ આપ્યા છે. માનવામાં આવે છે કે શહેરના કેટલાંક વિસ્તારમાં આ પ્રકારના જ હુમલાઓ થઈ શકે છે. હાલ સેનાની બોંબ ડિસ્પોઝલ સ્કવોડને તહેનાત કરવામાં આવી છે.