પાકિસ્તાનથી આવેલા ૬૩ હિંદુ બંગાળી પરિવારને યુપીમાં જમીન મળશે
લખનૌ, વર્ષ ૧૯૭૦માં પૂર્વ પાકિસ્તાનમાંથી ૬૫ બંગાળી પરિવાર ઉત્તર પ્રદેશમાં આવ્યા હતા. તે સમયે આ પરિવારોને મદન કોટન મીલમાં રોજગારી આપીને પુનઃસ્થાપિત કરવામાં આવ્યા હતા. જાેકે આ મિલ ૮ ઓગસ્ટ ૧૯૮૪ના રોજ બંધ થઈ ગઈ હતી. જેના કારણે હિંદુ બંગાળી પરિવારો સામે આજીવિકાનું સંકટ ઉભુ થયું હતું. આ પરિવારો છેલ્લા ૩૦ વર્ષથી સંઘર્ષ કરી રહ્યા હતા.
પૂર્વ પાકિસ્તાનથી ઉત્તર પ્રદેશમાં આવેલા ૬૩ હિંદુ બંગાળી પરિવારોનું રાજ્ય સરકાર પુનર્વસન કરશે. તેમને ખેતી માટે બે એકર અને કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં ઘર બનાવવા માટે ૨૦૦ ચોરસ મીટર જમીન આપવામાં આવશે. મકાનોના નિર્માણ માટે મુખ્યમંત્રી આવાસ યોજનામાંથી ૧.૨૦ લાખ રૂપિયા પણ આપવામાં આવશે.
સરકારે કાનપુર ગ્રામ્ય વિસ્તારમાં ૧૨૧.૪૧ હેક્ટર જમીન પર તેમના માટે પુનર્વસન યોજનાને મંજૂરી આપી છે. આ જમીનમાં મનરેગા હેઠળ જમીન સુધારણા અને સિંચાઈની સુવિધા વિકસાવવામાં આવશે, જેથી તેઓને સારી સુવિધા મળી શકે. આ પરિવારોને ખેતી અને મકાનો બાંધવા માટે ૧ રૂપિયામાં ૩૦ વર્ષ માટે લીઝ પર જમીન આપવામાં આવશે. આ લીઝ ૩૦-૩૦ વર્ષ એટલે કે કુલ ૯૦ વર્ષ માટે વધુમાં વધુ બે વખત રિન્યુ કરી શકાય છે.
અધિક મુખ્ય સચિવ મહેસૂલ મનોજ કુમાર સિંહ ટૂંક સમયમાં જમીન જાેવા જશે અને પુનર્વસન સંબંધિત માહિતી લેશે. વર્ષ ૧૯૭૦માં પૂર્વ પાકિસ્તાનમાંથી વિસ્થાપિત થયેલા પરિવારોના પુનર્વસન માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી.HS