પાકિસ્તાનનાં 6 શહેરોમાં ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચ્યો

ઈસ્લામાબાદ, ભીષણ ગરમીથી પાકિસ્તાનની હાલત દયનીય થઈ ચૂકી છે. ત્યાંનાં 6 શહેરોમાં પારો 48 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. હવામાન વિજ્ઞાનીઓની વાત માનીએ તો એપ્રિલમાં આવું પહેલીવાર થયું છે.
પાકિસ્તાનમાં સામાન્ય રીતે મે અને જૂનમાં પારો ઊંચાઈએ પહોંચી જાય છે. આ વર્ષે પાકિસ્તાનમાં એપ્રિલ મહિના દરમિયાન મહત્તમ તાપમાન લગભગ 10થી 12 ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયું છે.
સિંધના દાદુ શહેરમાં શુક્રવારે પારો રેકોર્ડ 49 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાયો હતો. પાકિસ્તાનના કરાચી, સક્કર, લરકાના, જેકોબાબદ, ડેરા ગાઝી ખાન અને મુલ્તાસન એ શહેરોમાં સામેલ છે જ્યાં મહત્તમ તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
પાકિસ્તાનના હવામાન વિભાગે આગામી એક અઠવાડિયા સુધી જુદાં જુદાં શહેરોમાં લૂ અને ધૂળભરી આંધી ચાલવાની ચેતવણી ઉચ્ચારી હતી.