પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર જાતીય શોષણનો આરોપ
ઇસ્લામાબાદ: પાકિસ્તાની ક્રિકેટ ટીમનો કેપ્ટન બાબર આઝમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણું મોટું નામ કમાઈ રહ્યો છે, પરંતુ હવે એક આક્ષેપને કારણે તે વિવાદોમાં આવી ગયો છે. આ આરોપનાં કારણે તેના આંતરરાષ્ટ્રીય કરિઅર પર જાેખમ તોળાઈ રહ્યું છે.
પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પર પણ જાતીય શોષણનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક મહિલાએ બાબર આઝમ પર જાતીય શોષણનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે બાબરે તેણીને ધમકીઓ આપી હતી. મહિલાએ કહ્યું હતું કે બાબરે તેની સાથે લગ્નના ખોટા વચનો આપ્યા હતા.
મહિલાએ એમ પણ કહ્યું હતું કે બાબર આઝમે તેણીને લગ્નના વાયદા કરીને ૧૦ વર્ષ સુધી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જ્યારે તે પ્રેગ્નન્ટ થઈ ગઈ ત્યારે બાબરે મારપીટ કરીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. પીડિતાના કહેવા અનુસાર બાબર અને તેણી સાથે એક જ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. બંને એક જ મહોલ્લામાં રહેતાં હતા.
મહિલાએ કહ્યું હતું, ‘બાબર આઝમે મને પ્રપોઝ કર્યું હતું અને મેં તે સ્વીકારી લીધું હતું. તે સમયે બાબર આઝમે ક્રિકેટ રમવાનું શરૂ પણ કર્યું ન હતું.આ મહિલાના કહેવા મુજબ, બાબર આઝમ તેની સાથે છેતરપિંડી કરતો રહ્યો અને લગ્નના નામે ૧૦ વર્ષ સુધી તેની સાથે જાતીય શોષણ કરતો હતો. મહિલાના જણાવ્યા અનુસાર, જ્યારે તેણે બાબર આઝમને જણાવ્યું કે તે ગર્ભવતી છે, ત્યારે બાબરે તેના કેટલાક મિત્રો સાથે મળીને તેનું ગર્ભપાત પણ કરાવ્યું હતું. પીડિતાએ કહ્યું કે, ‘બાબરે ૨૦૧૭ માં તેનો નંબર બદલ્યો હતો. આ પછી પણ, તેઓ ૩ વર્ષ સુધી મારો લાભ લેતા રહ્યા. ૨૦૨૦ માં, તેણે મારી સાથે લગ્ન કરવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો.
બાબર આઝમ આવતા વર્ષે પોતાના પિતરાઇ બહેન સાથે લગ્ન કરશે. પાકિસ્તાની ચેનલ જિઓ ન્યૂઝના સૂત્રોના હવાલેથી આ વાત બહાર આવી હતી. પાકિસ્તાની ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમ અને તેની પિતરાઇ બહેનના પરિવાર વચ્ચે બંનેના લગ્ન પર સહમતી સધાઈ હતી. બંને આવતા વર્ષે લગ્ન કરશે એવા અહેવાલ આવ્યા હતા. સૂત્રો પાસેથી જાણવા મળ્યું કે બાબર આઝમ પણ તેના કાકાની પુત્રી સાથે લગ્ન કરવા તૈયાર છે.
બાબરને હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમનો ટેસ્ટ કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. તે પહેલાથી જ ટીમનો વનડે અને ટી -૨૦ કેપ્ટન છે. તે અત્યાર સુધીમાં ૩૩ ટેસ્ટ રમ્યો છે, જેમાં તેણે ૪૨.૫૩ ની સરેરાશથી ૨૧૬૯ રન બનાવ્યા છે. તે જ સમયે, ૮૦ વનડેમાં તેણે ૫૬.૮૪ ની સરેરાશથી ૩૮૦૮ રન બનાવ્યા. બાબરે ૫૪ ટી ૨૦ મેચોમાં ૪૭.૩૩ ની સરેરાશથી ૨૦૩૫ રન બનાવ્યા છે.