પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં આતંકી હુમલો: ૧૦ જવાનો શહીદઃ એક આતંકી ઠાર

ઇસ્લામાબાદ, પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં મોટો આતંકી હુમલો થયો છે. આ આતંકી હુમલામાં ૧૦ જવાનો શહીદ થયાના સમાચાર સામે આવ્યાં છે. ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સના મહાનિર્દેશક મેજર જનરલ બાબર ઇફ્તિખારે જણાવ્યું કે,બલૂચિસ્તાનનાં કેચ જિલ્લામાં એક સુરક્ષા ચેક પોસ્ટ પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં ૧૦ જવાનો શહીદ થયા છે.
સેનાની મીડિયાએ પણ એક નિવેદનમાં જણાવ્યું કે, આ ઘટના ૨૫થી ૨૬ જાન્યુઆરીની વચ્ચે રાત્રે બની હતી, જેમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને અન્ય ઘણાં ઘાયલ થયા હતાં.
સુરક્ષા દળોએ આ હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓને પકડી લીધા, જ્યારે તેઓ હજુ પણ આ ઘટનામાં સંડોવાયેલા અન્ય આતંકવાદીઓને શોધી રહ્યાં છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, સશસ્ત્ર દળો આપણી ધરતી પરથી આતંકવાદીઓને ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે, ગમે તેટલી કિંમત હોય.
અફઘાનિસ્તાનની સત્તા પર કબજાે જમાવનાર તાલિબાન પાકિસ્તાન માટે ખરાબ સાબિત થઈ રહ્યું છે. પાકિસ્તાન ઈન્સ્ટિટ્યૂટ ફોર કોન્ફ્લિક્ટ એન્ડ સિક્યુરિટી સ્ટડીના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ૧૦ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર સુધી એક મહિનાના યુદ્ધવિરામ હોવા છતાં આતંકવાદી હુમલાની સંખ્યામાં ઘટાડો થયો નથી. પાકિસ્તાનમાં દર મહીને આતંકવાદી હુમલાઓની સરેરાશ સંખ્યા ૨૦૨૦ માં ૧૬ થી વધીને ૨૦૨૧ માં ૨૫ થઈ ગઈ છે, જે ૨૦૧૭ પછી સૌથી વધુ છે.
ડેટા દર્શાવે છે કે, બલૂચિસ્તાન પાકિસ્તાનનો સૌથી અશાંત પ્રાંત છે. જ્યાં ૧૦૩ હુમલાઓમાં ૧૭૦ લોકોનાં મોત થયા છે. રિપોર્ટ અનુસાર, બલૂચિસ્તાનમાં સૌથી વધુ ઘાયલોની સંખ્યા પણ નોંધાઇ છે. હુમલામાં ઘાયલ થયેલા લોકોમાંથી ૫૦ ટકાથી વધુ લોકો આ પ્રાંતમાં જ હુમલાનો વધુ શિકાર થયા છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, બલૂચિસ્તાન પછી ખૈબર પખ્તુનખ્વા બીજા નંબરનો સૌથી વધુ પ્રભાવિત વિસ્તાર છે. અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની દખલને લઈને નિષ્ણાંતો પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. તેઓ માને છે કે, પાકિસ્તાન જાહેરમાં તાલિબાનને સમર્થન આપી રહ્યું છે, જેનાથી માત્ર પ્રાદેશિક સંઘર્ષ વધશે.HS