Western Times News

Gujarati News

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઈઝરાયેલ અને ભારતને ગાઢ મિત્ર ગણાવ્યા

નવીદિલ્હી, પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને ઈઝરાયેલ અને ભારતને ગાઢ મિત્ર ગણાવ્યા છે અને કહ્યું કે ઈઝરાયેલનો પ્રવાસ કર્યા બાદ જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૯માં કાશ્મીર અંગે આટલી મોટી નીતિ લાગુ કરી હતી. ઈમરાન ખાને મિડલ ઈસ્ટ આઈને આપેલા ઈન્ટરવ્યુમાં અફઘાનિસ્તાન, ભારત, ઈઝરાયેલ અને અમેરિકા સાથેના સંબંધો પર અનેક સવાલના જવાબ આપ્યા.

પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનને ઈન્ટરવ્યુમાં સવાલ કરવામાં આવ્યો કે પેલેસ્ટાઈન અને કાશ્મીરની સ્થિતિ હળતી મળતી છે. આવામાં ભારત અને ઈઝરાયેલની મિત્રતા કેટલી ખતરનાક છે? આ સવાલ પર ઈમરાન ખાને કહ્યું કે તેમાં કોઈ બેમત નથી કે ભારત-ઈઝરાયેલ ખુબ નીકટ છે. ઈઝરાયેલના પ્રવાસ બાદ જ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાશ્મીર અંગે આટલી મોટી અને કઠોર નીતિ લાગૂ કરી હતી.

ઈમરાન ખાને કહ્યું કે શું તેનો અર્થ એ કાઢી શકીએ કે તેમને તેનો ઈશારો ઈઝરાયેલ તરફથી મળ્યો હતો કારણ કે ઈઝરાયેલ પણ કઈક આવું જ કરે છે. તેમણે એક મજબૂત તંત્ર બનાવેલું છે અને તેઓ કોઈ પણ પ્રકારના વિરોધને કચડી રહ્યા છે. તેઓ પોતાના લોકોને મોકલીને ગમે તેને મારી નાખે છે અને તેમને પૂરી ઈમ્યુનિટી મળેલી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ કઈ પણ નિવેદન આપે પણ તેમને ખબર છે કે અમેરિકા પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને તેમને બચાવી લેશે.

તેમણે કહ્યું કે ચીન વિરુદ્ધ અમેરિકાના ગઠબંધનનો ભાગ હોવાના કારણે હવે ભારતને પણ લાગવા માંડ્યું છે કે તેમની પાસે ઈઝરાયેલ જેવી જ ઈમ્યુનિટી (સુરક્ષા કવચ) છે અને તેઓ પણ ગમે તે કરી શકે છે. કાશ્મીરમાં હાલ માનવાધિકારોના લીરેલીરા ઉડાવવામાં આવી રહ્યા છે. આટલી ખરાબ સ્થિતિ પહેલા ક્યારેય નહતી. ઈઝરાયેલ પણ આવા જ જુલ્મ કરી રહ્યું છે પરંતુ જેટલી ખરાબ સ્થિતિ કાશ્મીરમાં છે તે બીજે ક્યાંય નથી.

ઈમરાને ઈઝરાયેલને માન્યતા આપવા માટે ગલ્ફ દેશોના કોઈ પણ પ્રકારના દબાણ અંગે પણ ઈન્કાર કર્યો અને કહ્યું કે પાકિસ્તાન એક લોકશાહી દેશ છે જે લોકોને સાથે લીધા વગર એકતરફી ર્નિણય લઈ શકતો નથી.

ઈમરાન ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે આઈએસઆઈએસ વિરુદ્ધ લડતમાં તેઓ અમેરિકાના બેસને પાકિસ્તાનમાં મંજૂરી આપશે? જેના જવાબ પર તેમણે કહ્યું કે મને લાગે છે કે હવે અમેરિકાને પાકિસ્તાનમાં બેસની જરૂર નથી કારણ કે અમે એકવાર ફરીથી કોઈ પણ પ્રકારના સંઘર્ષનો ભાગ થવા માંગતા નથી. અમેરિકાની આતંકવાદ વિરુદ્ધ લડતમાં સામેલ થયા બાદથી જ પાકિસ્તાને મોટી કિંમત ચૂકવી છે.

પાકિસ્તાન સિવાય અન્ય કોઈ દેશે આ લડતમાં આટલું નુકસાન ઝેલવું પડ્યું નથી. દુઃખની વાત છે કે પાકિસ્તાનને બલીનો બકરો બનાવવામાં આવે છે.

ઈમરાન ખાનને જ્યારે પૂછવામાં આવ્યું કે અફઘાનિસ્તાન મુદ્દે શું તેમની અમેરિકી રાષ્ટ્રપતિ જાે બાઈડેન સાથે વાત થઈ તો તેના પર ઈમરાન ખાને કહ્યું કે તેમની હજુ સુધી જાે બાઈડેન સાથે કોઈ વાત થઈ શકી નથી. ઈમરાન ખાને કહ્યું કે મે વર્ષ ૨૦૦૮માં અમેરિકી અધિકારીઓને કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં અમેરિકી મિલેટ્રીથી કોઈ પણ ઉકેલ આવવાનો નથી અને અમેરિકા પોતાના માટે ઈરાકથી પણ વધુ મુશ્કેલ સ્થિતિ ઊભી કરી રહ્યું છે. પરંતુ કમનસીબે તેમનો બસ આ જ જવાબ રહેતો કે અમારે બસ થોડા વધુ સમય માટે સૈનિકોની જરૂર છે.

એકવાર ફરીથી તેમણે એ વાત પર ભાર મૂક્યો કે આંતરરાષ્ટ્રીય સમુદાયે તાલિબાનને માન્યતા આપવી જાેઈએ. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનને એક સ્થાયી સરકારની જરૂર છે.

તાલિબાને એક સમાવેશી સરકાર નાવવાની પણ વાત કરી છે. ઈન્ટરનેશનલ તાકાતો જાે તાલિબાનનું સમર્થન નહીં કરે અને તેમના પર આર્થિક પ્રતિબંધ લગાવશે તો મને ડર છે કે તાલિબાનમાં કેટલાક એવા કટ્ટરપંથીઓ છે જે આ સંગઠનને એકવાર ફરીથી ૨૦ વર્ષ પહેલાના ભયાનક દોરમાં લઈ જઈ શકે છે. એક સ્થાયી સરકાર જ આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠન સામે લડી શકે છે અને આઈએસઆઈએસ સાથે લડવા માટે તાલિબાન જ એક વિકલ્પ બચે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.