પાકિસ્તાનની મસ્જિદમાં હુમલામાં ૪૫નાં મોત થયા
પેશાવર, પાકિસ્તાનની એક મસ્જિદમાં આત્મઘાતી હુમલાની ઘટના બની છે જેમાં ૪૫ લોકો માર્યા ગયા હોવાનું સામે આવ્યું છે. તે સિવાય ૬૫થી વધુ લોકોને ઈજાઓ પહોંચી છે. પેશાવર ખાતેની મસ્જિદમાં શુક્રવારની નમાજ દરમિયાન આ વિસ્ફોટ થયો હતો.
આ વિસ્ફોટ કોચા રિસાલદાર વિસ્તારમાં આવેલા કિસ્સા ખ્વાની બજાર ખાતેની મસ્જિદમાં થયો હતો. વિસ્ફોટ અંગે જાણ થયા બાદ બચાવ દળ ત્યાં પહોંચી ગયું હતું અને ઘાયલોને લેડી રીડિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બચાવ દળ ઉપરાંત આજુબાજુના લોકોએ પણ ઘાયલોની મદદ કરી હતી અને આશરે ૫૦ જેટલા ઘાયલો પૈકીના ૧૦ લોકોની સ્થિતિ ખૂબ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને સુરક્ષા દળોએ હાલ આજુબાજુના વિસ્તારોને ખાલી કરાવી દીધા છે અને તપાસ ચાલી રહી છે. હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠન દ્વારા આ હુમલાની જવાબદારી નથી સ્વીકારવામાં આવી.
પેશાવર પોલીસના કહેવા પ્રમાણે ૨ હુમલાખોરો આ વિસ્ફોટમાં સામેલ હતા. પહેલા બંનેએ મસ્જિદમાં ઘૂસવા પ્રયત્ન કર્યો હતો અને રોકવામાં આવતા પોલીસને ગોળી મારી દીધી હતી. વિસ્ફોટ પહેલા થયેલા ગોળીબારમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું અને અન્ય લોકોને ઈજાઓ પહોંચી હતી.
પેશાવરની મસ્જિદ ખાતે થયેલા બ્લાસ્ટ મામલે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે આ ઘટનાની નિંદા કરી છે. પેશાવરના સીએમ મહમૂદ ખાને પણ આ હુમલાની નિંદા કરી છે. તેમણે પેશાવરના આઈજીપી પાસે આ મામલે ડિટેઈલ રિપોર્ટની માગણી કરી છે.
અગાઉ ગુરૂવારે પાકિસ્તાનના ક્વેટા ખાતે વિસ્ફોટ થયો હતો જેમાં પોલીસ અધિકારી સહિત ૩ લોકોના મોત થયા હતા અને ૨૪ લોકો ઘાયલ થયા હતા. તે વિસ્ફોટ પોલીસ વેન પાસે થયો હતો અને વિસ્ફોટ માટે ૨થી ૨.૫ કિગ્રા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.SSS