પાકિસ્તાનને ધૂળ ચાટતુ કરવા ૧૦ દિવસ પણ નહિ લાગે
નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રીય કેડેટ કોર એટલે કે એનસીસીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધીત કરતા પીએમ મોદીએ ત્રાસવાદને છાવરતા પાડોશી દેશ પાકિસ્તાન પર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યુ હતુ કે પાડોશી દેશના હરાવવામાં આપણને ૧૦ દિવસ પણ નહિ લાગે. પાડોશી દેશ ૩ વર્ષ જંગ હારી ચૂકયો છે. તેમણે કહ્યુ હતુ કે, પાડોશી દેશ પ્રોકસી વોર લડી રહ્યો છે. કાશ્મીર ભારતનો મુગટ છે. ૭૦ વર્ષ પછી ત્યાંથી કલમ ૩૭૦ હટાવાઈ. આપણે જાણીએ છીએ કે આપણો પાડોશી દેશ આપણી સાથે ૩ – ૩ યુદ્ધ હારી ચૂકયો છે. આપણી સેનાને તેને ધૂળ ચાટતુ કરી દેવામાં સપ્તાહ કે ૧૦ દિવસથી વધુ સમય નથી લાગતો. તેમણે કહ્યુ છે કે આજે યુવા સોચ છે. યુવા મન સાથે દેશ આગળ વધી રહ્યો છે અને તેથી તે સર્જીકલ સ્ટ્રાઈક કરે છે, એર સ્ટ્રાઈક કરે છે અને આતંકના આકાઓને તેમના ઘરમાં જઈને મારે છે. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આજે દુનિયામાં દેશની ઓળખ એક યુવા દેશ તરીકે થાય છે.
દેશના ૬૫ ટકાથી વધુ લોકો ૩૫ વર્ષથી ઓછી ઉંમરના છે. દેશ યુવાન છે તેનો આપણને ગર્વ છે, પરંતુ દેશની સોચ યુવા હોય આ આપણી જવાબદારી હોવી જોઈએ. પીએમ મોદીએ કહ્યુ હતુ કે યુવા દેશ બદલવા ઈચ્છે છે. સ્થિતિઓ બદલવા ઈચ્છે છે તેથી તેણે નક્કી કર્યુ છે કે હવે ટાળવાનું નહિ ટકરાવાનુ છે, નિપટવાનુ છે આ જ યુવા સોચ છે, આ જ યુવાનોનું મન છે. આ જ યુવા ભારત છે. વડાપ્રધાન મોદીએ વિપક્ષોને પણ આડે હાથ લીધા હતા અને કહ્યુ હતુ કે, આવા લોકો સાથે ઐતિહાસિક અન્યાયને રોકવા માટે ભારતે અગાઉના વચન પુરા કરવા માટે સીએએ લાવી છે. કેટલાક પક્ષો પોતાની વોટ બેન્ક પર કબ્જો કરવાની સ્પર્ધામાં લાગ્યા છે.
આખરે કોના હિતો માટે આ લોકો કામ કરે છે ? દાયકાઓ જૂની સમસ્યાઓ અમારી સરકાર ઉકેલી રહી છે ત્યારે કેટલાક સાંપ્રદાયિકતાનો રંગ ચડાવી રહ્યા છે. વોટોની રાજનીતિ કરવામાં આવી રહી છે. પાકિસ્તાનમાં લઘુમતિઓ ઉપર અત્યાચાર થાય છે, ત્યારે સીએએ વિરોધીઓને ત્યાંના અત્યાચાર નથી દેખાતા. વડાપ્રધાને કહ્યુ હતુ પહેલા ચારે તરફ આતંકવાદી હુમલા, અલગાવવાદીઓના દેખાવો, હિંસા, તિરંગાનું અપમાન અને કૌભાંડોના સમાચાર આવતા હતા હવે આ બધુ બંધ થયુ છે. અમે વર્ષો જૂની બિમારીઓને ઠીક કરી રહ્યા છીએ. અમે જમ્મુ-કાશ્મીરમાં અલગાવવાદ અને આતંકવાદને સમાપ્ત કરવા આગળ વધી રહ્યા છીએ અને તેને ઉખાડીને ફેંકી દેવાના છીએ.