પાકિસ્તાનને સાઉદી અરેબિયાએ 3 અરબ ડોલરની આર્થિક મદદ કરી
ઈસ્લામાબાદ, દેવાના બોજ તળે દબાયેલા પાકિસ્તાનની મદદ માટે સાઉદી અરેબિયાએ આર્થિક પેકેજની જાહેરાત કરી છે. વિદેશી મુદ્રા ભંડારની કટોકટી વચ્ચે તાજેતરમાં ફઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફેર્સે પાકિસ્તાનને હજુ ગ્રે લિસ્ટમાં જ રાખવાનું નક્કી કર્યું છે. એવા સમયે સાઉદી અરેબિયાએ કરેલી મદદથી પાકિસ્તાનના વડાપ્રધાન ગદગદ થઇ ગયા છે.
સાઉદી અરેબિયા સંયુક્ત રાષ્ટ્રની સલામતી પરિષદ (યૂએનએસસી)માં કાશ્મીર મુદ્દે ખાસ કોઇ પ્રતિક્રિયા નથી આપી પણ પાકિસ્તાનને આર્થિક મદદ પુરી પાડી રહ્યું છે. પાકિસ્તાનના ઉર્જા મંત્રી હમાદ અઝહરે તાજેતરમાં જણાવ્યું હતુ કે સાઉદી અરેબિયા પાકિસ્તાનના સ્ટેટ બેંકમાં ત્રણ અરબ ડોલર જમા કરાવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત દર વર્ષે 1.2 અરબ ડોલરની કિંમતનું તેલ પણ પુરૂ પાડશે. સાઉદી અરેબિયાની આ મદદને લઇને પાક. વડાપ્રધાન ઇમરાન ખાને ટ્વીટર પર આભાર વ્યક્ત કર્યો હતો.
સાઉદી અરેબિયા તરફથી વિકાસ ફંડની મદદથી પાકિસ્તાનને આર્થિક રીતે ઘણી મદદ મળશે અને વિદેશી મુદ્રાના ભંડારની કટોકટીમાં પણ રાહત મળશે. પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી મોંઘવારીના સૌથી ખરાબ સમય માંથી પસાર થઇ રહ્યું છે. ડોલરની સરખામણીએ પાકિસ્તાનના રૂપીયમાં ઝડપથી ઘટાડો નોંધાઇ રહ્યો છે. આ સમયે અમેરિકાના એક ડોલરની સામે પાકિસ્તાનના 175 રૂપિયા બોલાઇ રહ્યાં છે.
જોકે, સાઉદી અરેબિયાએ પાકિસ્તાનના કપરા સમયે અગાઉ પણ મદદ કરી છે. ઇમરાન ખાનના કાર્યકાળમાં સાઉદીએ બે વખત આર્થિક મદદ કરી છે. તાજેતરમાં ફઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફેર્સે પાકિસ્તાનને ગ્રે લીસ્ટમાં કાયમ રાખવાની સાથે સાથે તેનાં કુકર્મોમાં સાથ આપનાર તુર્કીને પણ ગ્રે લિસ્ટમાં નાખ્યું છે. આ ઉપરાંત માલી અને જોર્ડનને પણ ગ્રે લિસ્ટમાં મૂક્યા છે. મોરેશિયસ અને બોત્સવાનાને ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢયા છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કંગાળીના કગાર પર પાકિસ્તાન, ઈમરાન ખાન ‘કટોરો’ લઈને સાઉદી અરેબિયા પહોંચ્યા હતા. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ એટલી ખરાબ છે કે લોકો માટે બે સમયનુ ભોજન પણ મુશ્કેલ થઈ ગયુ છે. એવામાં વડા પ્રધાન ઈમરાન ખાન ફરીથી કટોરો લઈને સાઉદી અરબ પહોંચી ગયા હતા. જોકે આમ તો અહીં તેમને એક સંમેલનમાં ભાગ લેવાનો હતો પરંતુ તેમનો મુખ્ય ઉદ્દેશ્ય રોકાણકારો અને કારોબારીઓને લોભાવવાનો હતો.