પાકિસ્તાનમાં ટ્રેનમાં ધડાકા સાથે આગ લાગતાં ૬પ પ્રવાસી ભડથું: ૩૦ ઘાયલ
ટ્રેનમાં ગેસ સિલિન્ડર ફાટતાં ભીષણ કરૂણાંતિકા: ત્રણ ડબ્બા સંપૂર્ણપણે ખાખ |
ઈસ્લામાબાદ, પાકિસ્તાનમાં કરાચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં પ્રચંડ ધડાકા બાદ ત્રણ ડબ્બામાં આગ લાગતાં ૬પ લોકો જીવતા ભડથું થઈ ગયા હતા અને ૩૦થી વધુ લોકો ગંભીર રીતે દાઝી જવાના કારણે ઘાયલ થયા છે.
અહેવાલો અનુસાર આ દુર્ઘટના ગેસ સિલિન્ડર ફાટવાના કારણે બની હતી. કરાંચી-રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેન કરાંચીથી રાવલપિંડી જઈ રહી હતી ત્યારે આ દુર્ઘટના પંજાબ પ્રાંતનામ દક્ષિણમાં રહીમયારખાન નજીક લિયાકતપુરમાં ઘટી હતી.
રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે રાંધણગેસમાં ઉપયોગમાં લેવાતા ગેસ સિલિન્ડર ફાટવાથી ટ્રેનના કેટલાક ડબ્બા આગની જ્વાળાઓમાં ફેરવાઈ ગયા હતા. પ્રચંડ બ્લાસ્ટના કારણે આગ એટલી ભયંકર રીતે લાગી હતી કે તેની લપેટમાં આવી ગયેલા મોટા ભાગના પ્રવાસીઓ મોતને ભેટ્યા હતા.
આ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મુલતાનના બીવીએસ બહાવલપુર અને પાકિસ્તાન-ઈટાલિયન મોડર્ન બર્ન સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. રહીમયારખાનના ડેપ્યુટી કમિશ્નર જમીલ અહેમદની દેખરેખ હેઠળ રેસ્ક્યૂ ઓપેરશન ચાલી રહ્યું છે. સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર એક પ્રવાસી ગેસ સિલિન્ડર સાથે ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યો હતો ત્યારે તેમાં વિસ્ફોટ થયો હતો. આજબાજુના બે કોચ આ વિસ્ફોટની લપેટમાં આવી ગયા હતા અને ભીષણ આગમાં ટ્રેનના કુલ ત્રણ કોચ સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા.
પ્રવાસી ટ્રેનની અંદર ગેસ સિલિન્ડર પર નાસ્તો બનાવી રહ્યો હતો ત્યારે આગ લાગી હતી. અત્યાર સુધી મળતી માહિતી અનુસાર આજે સવારે ટ્રેનમાં ભીષણ આગની લપેટમાં ઈકોનોમી ક્લાસની બે બોગી અને બિઝનેસ ક્લાસની એક બોગી આવી ગઈ હતી. કેટલાક યાત્રીઓ પોતાનો જીવ બચાવવા ચાલતી ટ્રેનમાથી બહાર કૂદી પડ્યા હતા. પાકિસ્તાનના રેલવે પ્રધાન શેખ રાશીદે જણાવ્યુંં હતું કે આગ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાના કારણે લાગી હતી કે જ્યારે આજે સવારે એક યાત્રી સિલિન્ડર પર પોતાનો નાસ્તો બનાવી રહ્યો હતો. કેટલાય લોકોએ ટ્રેનમાંથી કૂદીને પોતાના જીવ બચાવ્યા હતા. ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી.
રેલવે પ્રધાન શેખ રાશીદે જણાવ્યું હતું કે નુકસાનગ્રસ્ત ટ્રેકને બે કલાકની અદર ચાલુ કરી દેવામાં આવશે. પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાનખાતે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યુ છે અને અધિકારીઓને ઈજાગ્રસ્તોને સારી સારવાર ઉપલબ્ધ કરાવવા સૂચના આપી છે. તેમણે પીડિત પરિવાર પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી હતી.