પાકિસ્તાનમાં પતિ-પત્ની અને બાળકો સહિત આખા હિન્દુ પરિવારની હત્યા
ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં લઘુમતી સમુદાય હિન્દુઓની સામૂહિક હત્યાનો હચમચાવી નાખનારો મામલો સામે આવ્યો છે. અજાણ્યા હુમલાખોરોએ એક જ પરિવારના ૫ લોકોની ધારદાર હથિયારથી ગળું ચીરીને હત્યા કરી નાખી. ઘટના બાદ પાકિસ્તાનમાં લઘુમતી સમુદાયના હિન્દુઓ અને શીખોમાં ડર પેસી ગયો છે.
ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ મુજબ આ ઘટના પાકિસ્તાનના મુલ્તાન જિલ્લામાં રહીમ યાર ખાન શહેરથી લગભગ ૧૫ કિમી દૂર અબુધાબી કોલોનીના ચક નંબર ૧૩૫-પીમાં ઘટી. અહીં ટેલરનું કામ કરતા ૩૬ વર્ષના રામચંદ મેઘવાલ, તેમના પત્ની અને બાળકો શનિવારે સવારે ઘરમાં મૃત મળી આવ્યા. હત્યારાઓએ ગત રાતે ધારદાર હથિયારથી પાંચેયના ગળા ચીરી નાખ્યા હતા. પોલીસે ઘરમાંથી લોહીથી લથપથ કુહાડી અને ચાકૂ જપ્ત કર્યા. કહેવાય છે કે આ જ હથિયારોથી હત્યાકાંડને અંજામ અપાયો.
રહીમ યાર ખાનમાં સામાજિક કાર્યકર બીરબલ દાસે જણાવ્યું કે માર્યા ગયેલા રામચંદ મેઘવાલ લાંબા સમયથી ટેલરની દુકાન ચલાવતા હતા. તેઓ ખુબ શાંતિપ્રિય હતા અને ખુશહાલ જીવન જીવી રહ્યા હતા. તેમણે કહ્યું કે આ ઘટનાથી દરેક જણ હતપ્રત છે. શહેરમાં રહેતા હિન્દુ અને શીખોમાં આ ઘટનાથી ડર વધ્યો છે. બીજી બાજુ આ ઘટના બાદ પાકિસ્તાની પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી સરદાર ઉસ્માન બુજદારે દોષિતોની જલદી ધરપકડનો આદેશ આપ્યો છે.