પાકિસ્તાનમાં બસ-ટ્રક વચ્ચે અકસ્માત થતાં ૨૯ લોકોના મોત
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. પંજાબ પ્રાંતના ડેરા ગાઝી ખાન વિસ્તારમાં પેસેન્જર બસ અને ટ્રક વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં ૨૯ લોકોનાં મોત નીપજ્યાં હતાં. બસ સિયાલકોટથી રાજનપુર જઈ રહી હતી. અધિકારીઓના કહેવા મુજબ મોટાભાગના લોકો ઇદની રજા પર ઘરે જવા રવાના થયા હતા. આ દુર્ઘટનામાં ૪૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. આ તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતની પુષ્ટિ કરતાં ડેરા ગાઝી કમિશનર ડો.ઇરશાદ અહેમદે મીડિયાને જણાવ્યું કે, માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ ગઈ હતી. મૃતદેહો અને ઈજાગ્રસ્તોને ડી.એચ.ક્યુ. ટીચિંગ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ગૃહમંત્રી શેખ રશીદે પણ અકસ્માત અંગે દૂઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે આ ઘટના ઈદની આગામી રજા પર ઘરે પરત જનારા લોકો માટે કોઈ મોટી હોનારતથી ઓછી નથી. મૃતકો માટે તેમણે શોક વ્યક્ત કર્યો હતો.