પાકિસ્તાનમાં મુહમ્મદ અલી ઝીણા બ્રાન્ડનો શરાબ
ઇસ્લામાબાદ, પાકિસ્તાનના સ્થાપક કાઇદે આઝમ મુહમ્મદ અલી ઝીણાના નામને મળતા આવે એવા એક નામ સાથે ગિન્નાહ શરાબ બજારમાં આવ્યો હતો.
ટ્વીટરના એક યુઝરે મોટા અક્ષરે ગિન્નાહ લખેલી શરાબની એક બોતલની તસવીર સોશ્યલ મિડિયા પર મૂકી હતી. રસપ્રદ વાત એ છે કે ઇસ્લામમાં શરાબ પર પ્રતિબંધ છે. જો કે મુહમ્મદ અલી ઝીણા તો છૂટથી શરાબ પીતા હતા અને વર્જ્ય ગણાતું ડુક્કરનું માંસ પણ ખાતા હતા.
આ બોતલની તસવીર પ્રગટ કરનારી સમાચાર સંસ્થાએ બોતલની સચ્ચાઇની ચકાસણી કરી નથી કે એની સચ્ચાઇ વિશે એક શબ્દ પણ લખ્યો નથી પરંતુ ટ્વીટર પર બીજા પણ ઘણા યુઝર્સે આ બોતલની તસવીર રજૂ કરી હતી. મુહમ્મદ અલી ઝીણા મૂળ પાનેલીના એક લુહાણા પરિવારના હતા. જો કે તેમનો જન્મ કરાચીમાં 1876ના ડિસેંબરની 26મીએ થયો હતો. એ વિલાયતમાં જઇને બેરિસ્ટર થઇ આવ્યા હતા. લેટેસ્ટ ફૅશનનાં વસ્ત્રો પહેરવાં, તુમાખીભર્યું વર્તન કરવું અને બાદશાહી જીવન જીવવું તેમને ગમતું હતું.
રાષ્ટ્રપિતા ગાંધીજી સાથે તેમના વિચારો મળતા નહોતા એટલે એમણે મુસ્લિમો માટે અલગ દેશની માગણી કરી હતી. એમાંથી પાકિસ્તાનનો જન્મ થયો હતો. જો કે અંતિમ શ્વાસ લેવા અગાઉ એમણે બહેન ફાતિમાને કહ્યું હતું કે અલગ પાકિસ્તાન માગ્યું એ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. ઝીણાએ જેમના પર વિશ્વાસ મૂક્યો હતો એવા સાથીદારો જ એમના કરુણ મોત માટે નિમિત્ત બન્યા હતા. એમને ટીબીનું છેલ્લું સ્ટેજ હતું ત્યારે પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાને તેમને તબીબી સારવાર આપવાથી વંચિત રાખ્યા હતા.
શરાબની બોતલ પર લખેલું છે કે ઇસ્લામમાં હરામ એવી તમામ ચીજો, પુલ બિલિયર્ડ, પોર્ક સોસેજ, સિગાર અને વ્હીસ્કી વિના જીવન જીવવાની મજા ન રહે એવું ઝીણા માનતા હતા.