પાકિસ્તાનમાં મોંઘવારીના મારથી જનતામાં હાહાકાર, આદુનો ભાવ 1000 રૂપિયા કિલો પર પહોંચ્યો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં શાકભાજીના આવમાં થયેલા વધારાથી પ્રજા ત્રસ્ત છે. તો પ્રધાનમંત્રી ઇમરાન ખાન ખાંડના ભાવમાં ઘટાડાનો દાવો કરી વાહવાહી લુટી રહ્યાં છે. ઇમરાન ખાનની પૂર્વ પત્ની રેહમ ખાને એક પાકિસ્તાની ન્યૂઝ ચેનલનો વીડિયો ટ્વીટ કરી જણાવ્યું કે રાવલપિંડીમાં એક કિલો આદુનો ભાવ 1000 રૂપિયા છે. શિમલા મરચાનો ભાવ 200 રૂપિયા કિલો સુધી પહોંચી ગયો છે. એક મહિના પહેલા પાકિસ્તાનમાં લોટના ભાવને લઈને હાહાકાર મચ્યો હતો.
બે દિવસ પહેલા ઇમરાન ખાને ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે તેમના દેશમાં ખાંડ 81 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યો છે. તેમણે ખુદની પ્રશંસા કરતા કહ્યુ કે, તેમની સરકારની નીતિઓને કારણે પાછલા મહિને 102 રૂપિયા કિલો વેચાઈ રહેલી ખાંડની કિંમત હવે 81 રૂપિયા સુધી આવી ગઈ છે. તેમણે કિંમત ઓછી કરવા માટે બનાવવામાં આવેલી પોતાની ટીમની પણ પ્રશંસા કરી હતી.
પાકિસ્તાન આ દિવસોમાં ખાદ્ય સામગ્રીની કમીનો સામનો કરી રહ્યો છે. જે પાકિસ્તાન પહેલા દુનિયાભરને ડુંગળી નિકાસ કરતુ હતુ. તેણે હવે પોતાના દેશમાં ડુંગળીની કિંમતો ઓછી કરવા માટે તેની આયાત કરવી પડી રહી છે. લોટ અને ખાંડનો ભાવ ઓછો કરવા માટે ઇમરાન ખાન સતત કેબિનેટ અને અધિકારીઓ સાથે બેઠક કરી રહ્યાં છે.