પાકિસ્તાની ઓર્ગેનાઈઝરને ભારતે બ્લેકલિસ્ટ કર્યો
નવીદિલ્હી, ગૃહ મંત્રાલયે અમેરિકાના એક પાકિસ્તાની ઈવેન્ટ મેનેજરને બ્લેકલિસ્ટ કર્યો છે. રેહાન સિદ્દીકી નામનો આ ઈવેન્ટ મેનેજર અમેરિકાના હ્યુસ્ટન શહેરથી છે. રેહાન બોલિવૂડ સંલગ્ન અનેક ઈવેન્ટનું આયોજન કરે છે. પરંતુ તેની આડમાં તે ભારત વિરોધી અને ખાસ કરીને કાશ્મીર પ્રોપગેન્ડાને ફંડિંગ કરે છે. તેની સંદિગ્ધ ગતિવિધિઓ પર પ્રવાસી ભારતીયોની નજર આ વર્ષની શરૂઆતમાં પડી હતી.
અત્રે જણાવવાનું કે આ મામલાને મુંબઈના શિવસેના સાંસદ રાહુલ શેવાલે ઉઠાવ્યો અને આ અંગે ૧૭ ફેબ્રુઆરીના રોજ ગૃહ મંત્રાલયને એક પત્ર લખ્યો. પત્રમાં શિવસેના સાંસદે ભારતીય કલાકારોના દેશ વિરોધી તત્વો સાથે અમેરિકામાં મેળમિલાપ પર રોક લગાવવાની માગણી કરી હતી.
રેહાન સિદ્દીકી બ્લેકલિસ્ટ થયા બાદ શિવેસના સાંસદે ગૃહ મંત્રાલયન આભાર વ્યક્ત કરતા ટ્વીટ કરી અને કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની પોલીસી! હું આપણા કલાકારો અને અભિનેતાઓને રાષ્ટ્ર વિરોધી તત્વોથી પોતાને અલગ કરવાના નિર્દેશ આપવાની મારી માગણીને સ્વીકારવા બદલ ગૃહ મંત્રાલયનો આભાર વ્યક્ત કરું છું. હું ભારતના તમામ કલાકારોને ભલામણ કરું છું કે તેઓ આવા શો કે ઈવેન્ટ્સથી પોતાને દૂર રાખે.
વિદેશ મંત્રાલય દ્વારા ગૃહ મંત્રાલયે વોશિંગ્ટનના ઈન્ડિયન મિશન અને ભારતના અમેરિકી કોન્સ્યૂલેટ જનરલને સાંસ્કૃતિક સંસ્થાઓ પર નજર રાખવાનો આગ્રહ કર્યો છે. ગૃહ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ કડક પગલાં દ્વારા ભારતીય કલાકારોને પણ દેશ વિરોધી તત્વોથી દૂર રહેવાનો સંદેશ અપાયો છે. નોંધનીય છે કે રેહાન સિદ્દીકી કેસની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા છે અને સોશિયલ મીડિયા પર તેના દ્વારા આયોજિત બોલિવૂડ કાર્યક્રમોને બોયકોટ કરવાની માગણી થઈ રહી છે.