પાકિસ્તાને આતંકવાદ ઉપર કાર્યવાહી કરવી પડશેઃ ટ્રમ્પ
વોશિંગ્ટન, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસ અગાઉ અમેરિકાએ મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનને ચેતવણીના સૂરમાં કહ્યું છે કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરે. તે ભારત સાથે વાત કરવા માંગે છે પરંતુ તે પહેલા તેણે આતંકવાદ ઉપર કાર્યવાહી કરવી પડશે. પાકિસ્તાન પોતાના તમામ મુદ્દા પરસ્પર વાતચીતથી જ ઉકેલે.
વ્હાઈટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ ભારત-પાકિસ્તાન વચ્ચે વાર્તાની મધ્યસ્થતાના સવાલ પર કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઈચ્છે છે કે બંને દેશો વચ્ચે તણાવ ઓછો થાય. બંને દેશોએ શાંતિપૂર્ણ રીતે પરસ્પર વાતચીત કરીને મામલાના ઉકેલ લાવવા જોઈએ.
અધિકારીએ જણાવ્યું કે અમારું માનવું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ પણ મંત્રણા ત્યારે જ સફળ થશે જ્યારે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી કરશે અને આતંકનો ખાત્મો કરે. તેના પર અમે સતત નજર રાખી રહ્યાં છીએ. તેમણે કહ્યું કે મારું માનવું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ હાલ બંને દેશોને એલઓસી પર શાંતિ જાળવી રાખવાની અપીલ કરી શકે છે.
અફઘાનિસ્તાનમાં શાંતિ બહાલ કરવાની પ્રક્રિયા પર વ્હાઈટ હાઉસના અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ આ મામલે ભારતની મદદ માંગી છે. તેમણે કહ્યું કે અમે ભારતથી આ મામલે જેટલું શક્ય બને તેટલી મદદ કરવાની અપીલ કરી છે.
અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪ અને ૨૫ ફેબ્રુઆરીએ બે દિવસના ભારત પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ પત્ની મેલેનિયા સાથે તાજ મહેલ જોવા આગરા જશે. તેમને તાજ બતાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આગરા જશે.