પાકિસ્તાને ડ્રોનથી પંજાબમાં 11 હેન્ડ ગ્રેનેડ ફેંક્યા
અમૃતસર, પાકિસ્તાને ફરી સરહદે ભારત વિરોધી કાવતરૂ ઘડયું હતું, જેને ભારતીય સૈન્ય દ્વારા ખુલ્લુ પાડવામાં આવ્યું છે. પંજાબના ગુરદાસપુરમાં ભારત-પાકિસ્તાન બોર્ડર વિસ્તારમાં ભારત વિરૂદ્ધના આતંકી હુમલાને સુરક્ષા જવાનોએ નાકામ કરી દીધો છે. સુરક્ષા જવાનોને ગુરદાસપુરમાં મોટી સંખ્યામાં ગ્રેનેડ મળ્યા છે.
આ ગ્રેનેડનો ઉપયોગ ભારત વિરૂદ્ધ કરવા માટે પાકિસ્તાન દ્વારા મોકલવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પંજાબના એક વરીષ્ઠ પોલીસ અિધકારીએ જણાવ્યું કે ગુરદાસપુરમાંથી 11 હેંડ ગ્રેનેડ જપ્ત કરવામાં આવ્યા છે. એવી શંકા છે કે પાકિસ્તાને ડ્રોનની મદદથી આ ગ્રેનેડને ભારતની સરહદ પાર કરાવી મોકલ્યા હોઇ શકે છે.
જે ગ્રેનેડ મળી આવ્યા છે તે પાકિસ્તાનમાં બનાવવામાં આવ્યા હતા, શનિવારે મોડી રાત્રે ચકરી બોર્ડર પોસ્ટ પર તૈનાત બીએસએફના જવાનોએ ભારતીય વિસ્તારમાં એક ડ્રોનને પ્રવેશ કરતા જોયુ હતું.
શનિવારે મોડી રાત્રે પાકિસ્તાન તરફથી આવેલા ડ્રોનને તોડી પાડવા માટે બીએસએફ દ્વારા મોટા પ્રમાણમાં ગોળીબાર પણ કરવામાં આવ્યો હતો. પંજાબ પોલીસને પણ તૈનાત કરાઇ હતી તેથી સૈન્ય અને પોલીસ બન્નેએ મળીને પાકિસ્તાનના આ કાવતરાને નાકામ કરી દીધુ હતું.
જોકે આ ડ્રોન તોડી પાડવામાં સફળતા નહોતી મળી અને તે ભારતમાં આ ગ્રેનેડ પાડી જતુ રહ્યું હોવાની શંકા છે. જે બાદ પોલીસ અને બીએસએફની ટીમે રવિવારે સવારે સ્લાચ ગામમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું અને 11 ગ્રેનેડ જપ્ત કર્યા હતા.