Western Times News

Gujarati News

પાકિસ્તાને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન ૧૫.૩૨ બિલિયનનું નવું બાહ્ય દેવું લીધું છે

ઇસ્લામાબાદ, પાકિસ્તાનની આર્થિક હાલત અતિ કફોડી છે,પાકિસ્તાન હાલ દેવાના બોજ તળીયે દબાઇ ગયું છે. પાકિસ્તાને નાણાકીય વર્ષ (૨૦૨૦-૨૧) દરમિયાન ઇં૧૫.૩૨ બિલિયનનું નવું બાહ્ય દેવું લીધું છે. દેશની આર્થિ પરિસ્થિતિ ખરાબ થઇ ગઇ છે,મોંઘવારીએ માઝા મૂકી છે.

પાકિસ્તાનની ઈમરાન સરકારે સત્તામાં તેના પ્રથમ ત્રણ વર્ષમાં કુલ ૩૪.૧૭ અબજ ડોલરના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આંકડા દર્શાવે છે કે પાકિસ્તાને ૨૦૧૮-૧૯માં ઇં૮.૪૧ બિલિયનના લોન કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પછીના નાણાકીય વર્ષમાં, તેણે ઇં૧૦.૪૫ બિલિયન (૨૪ ટકા વધુ)ની લોન લીધી.

આ સમાચાર પાકિસ્તાની મીડિયામાં દેશના આર્થિક બાબતોના મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા વિદેશી આર્થિક સહાય ૨૦૨૦-૨૧ પરના વાર્ષિક અહેવાલને ટાંકીને પ્રકાશિત કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર, ગત નાણાકીય વર્ષમાં ચાલુ ખાતાની ખાધ પર દબાણ ઘટાડવા, વિદેશી મુદ્રા ભંડારને મજબૂત કરવા માટે ઉચ્ચ પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી.

દેવાની જાળમાં ફસાયેલા પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અહેવાલના જણાવ્યા અનુસાર દેશમાં સતત વિદેશી મુદ્રા સંકટને કારણે મોંઘવારી તેની ટોચ પર છે. લોટ, દાળ, ખાંડ અને ખાદ્યતેલના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ ગયા છે. આવી સ્થિતિમાં વૈશ્વિક દેવું પણ ઊંચા દરે મળી રહ્યું છે. જ્યારે વિશ્વ બેંક અને ઇસ્લામિક બેંકો પાસેથી મળેલી લોનનો ઉપયોગ લોનની રકમ ચૂકવવા માટે જ થઈ શકે છે.

ધ ન્યૂઝ ઈન્ટરનેશનલના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં ગયા મહિને પેટ્રોલ ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર સુધી પહોંચી ગયું હતું. તે જ સમયે, ખાંડ પણ ૧૫૦ રૂપિયા પ્રતિ કિલોની આસપાસ છે. દૂધ ૧૩૦ રૂપિયા પ્રતિ લીટર સુધી વેચાઈ રહ્યું છે. ભૂતકાળમાં પંજાબ પ્રાંતમાં લોટની સમસ્યા હતી. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ખાદ્ય વિભાગ પાસે ઘઉં સહિત અનેક ચીજવસ્તુઓનો સ્ટોક ખતમ થઈ ગયો છે.

આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં હવે ગેસ સંકટનો ખતરો છે, દેશના માહિતી મંત્રી ફવાદ ચૌધરીએ ખુદ દેશમાં ગેસ સંકટની ચેતવણી આપી છે. ચૌધરીએ કહ્યું કે આગામી વર્ષોમાં પાકિસ્તાન પાસે ગેસ નહીં હોય. છેલ્લા બે વર્ષથી દેશમાં દર વર્ષે ગેસમાં ૯ ટકાનો ઘટાડો થઈ રહ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.