પાકિસ્તાને ભારત સાથેની ટપાલ સેવા ફરી શરૂ કરી
ઈસ્લામાબાદ, પાકિસ્તાને પોતાની ભુલ સુધારતા ત્રણ મહિના સુધી પોસ્ટલ સર્વિસ અટકાવી રાખ્યા બાદ ભારત સાથે ટપાલ સેવા ફરીથી શરૂ કરી છે. ભારત દ્વારા જમ્મુ અને કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરાયા બાદ પાકિસ્તાને બંને દેશ વચ્ચે પોસ્ટલ સેવા બંધ કરી હતી. ભારતે વિવાદાસ્પદ કલમ 370 દ્વારા જમ્મુ અને કાશ્મીરને મળતો વિશેષ દરજ્જો સમાપ્ત કરતા અને આ રાજ્યને બે કેન્દ્રશાસિત રાજ્યમાં વિભાજીત કર્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદીલી સર્જાઇ હતી.
ભારત સામે પાકિસ્તાને પ્રતિક્રિયા દર્શાવવાનાં ભાગરૂપે ભારત સાથેનાં રાજકીય સંબંધો ઓછા કરી દીધા હતા. દ્વીપક્ષીય સંબંધો ખતમ કરવાની સાથે-સાથે વ્યાપારીક સંબંધો પણ બંધ કર્યા હતાં. પાકિસ્તાની મીડિયા અનુસાર ટપાલ સેવા ફરી શરૂ કરાઇ છે પરંતુ પાર્સંલ સેવા બંધ રહેશે. જો કે ભારત સાથે મર્યાદિત ટપાલ સેવા શરૂ કરાઈ હોવા છતાં પણ તેની કોઈ સત્તાવાર જાહેરાત થઇ નથી. પાકિસ્તાને 27 ઓગસ્ટનાં દિવસે ભારતથી આવેલી પોસ્ટલ ડિલિવરીનો સ્વીકાર કર્યો ન હતો. માહિતી અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે પાકિસ્તાનનાં આવા વલણ અંગે જણાવ્યું હતું કે પાકિસ્તાને ગયા ઓક્ટોબર મહિનાથી ટપાલ સેવા એક તરફી રીતે બંધ કરી દીધી છે અને તે અંગે ભારતને કોઈ આગોતરી નોટીસ પણ આપી નથી.