પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ટી ૨૦ સીરીઝ ૩-૦થી ક્લીન સ્વીપ કરી
ઇસ્લામાબાદ, પાકિસ્તાને ત્રીજી ટી ૨૦ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને ્૨૦ સીરીઝ ૩-૦થી ક્લીન સ્વીપ કરી લીધી છે. પાકિસ્તાને ૨૦૮ રનનાં વિશાળ લક્ષ્યાંકને ૧૮.૫ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ૭ વિકેટ સાથે પાકિસ્તાને ટી૨૦ ઈન્ટરનેશનલમાં પોતાનું સર્વોચ્ચ લક્ષ્ય હાંસલ કર્યું હતું.
પાકિસ્તાન માટે, કેપ્ટન બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ટી ૨૦ ઇન્ટરનેશનલમાં છઠ્ઠી વખત ૧૦૦ રનની ભાગીદારી કરી હતી. તેણે ટી ૨૦ ઈન્ટરનેશનલમાં રોહિત શર્મા અને કેએલ રાહુલની સૌથી વધુ સદીની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો. રોહિત શર્મા અને કેએલ રાહુલે ટી ૨૦માં પાંચ સદી ફટકારી છે.
પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાને ૪૫ બોલમાં ૧૦ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી ૮૭ રન બનાવ્યા હતા. બીજી તરફ પાકિસ્તાનનાં કેપ્ટન બાબર આઝમે ૫૩ બોલમાં ૭૯ રન બનાવ્યા હતા. આ ઇનિંગ દરમિયાન તેણે નવ ચોક્કા અને બે છક્કા ફટકાર્યા હતા. આ બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે ૧૫૮ રનની ભાગીદારી થઈ હતી. આ પહેલા પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝે ત્રણ વિકેટનાં નુકસાને ૨૦૭ રન બનાવ્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝ માટે કેપ્ટન નિકોલસ પૂરણે ૩૭ બોલમાં બે ચોક્કા અને છ છક્કાની મદદથી ૬૪ રન બનાવ્યા હતા. તેના સિવાય શમર્થ બ્રુક્સે ૪૯, બ્રેન્ડન કિંગે ૪૩ અને ડેરેન બ્રાવોએ અણનમ ૩૪ રનનું યોગદાન આપ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે, બન્ને દેશો વચ્ચે રમાનારી વનડે સીરીઝ સ્થગિત કરવામાં આવી છે. પીસીબી અને વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે જણાવ્યું હતું કે ગુરુવારે કરાચીમાં વેસ્ટ ઈન્ડિઝ કેમ્પમાં પાંચ લોકોનો ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ ત્રણ મેચની વનડે સીરીઝ આવતા વર્ષે જૂન સુધી લંબાવવામાં આવી છે.
પાકિસ્તાનનાં બેટ્સમેન મોહમ્મદ રિઝવાને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ ટેસ્ટ મેચની ટી ૨૦ સીરીઝની ત્રીજી મેચમાં ઈતિહાસ રચી દીધો છે. રિઝવાન ટી ૨૦માં એક કેલેન્ડર વર્ષમાં ૨૦૦૦ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. ૨૦૮ રનનાં વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનનાં ઓપનરે ૧૧ ઓવરમાં ચોક્કો ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. રિઝવાને એક કેલેન્ડર વર્ષમાં ૫૫થી વધુની એવરેજથી આ રન બનાવ્યા છે. તેણે ૪૫ ઇનિંગ્સમાં ૧૩૦નાં સ્ટ્રાઇક રેટથી ૨૦૦૦ રન બનાવ્યા છે.HS