પાકિસ્તાન અને ચીનની દોસ્તી ભયજનક: સેના-પ્રમુખ નરવણે
નવી દિલ્હી, સેના-પ્રમુખ જનરલ એમ. એમ. નરવણેએ જણાવ્યું હતું કે પાકિસ્તાન અને ચીનની દોસ્તી આપણા માટે જોખમ ઊભું કરી શકે છે. એને નજરઅંદાજ કરી શકાય એમ નથી. ઉત્તરની સરહદો પર અમે સંપૂર્ણ રીતે તૈયાર છીએ અને કોઈપણ પડકારનો સામનો કરવા માટે તૈયાર છીએ. પશ્ચિમી સરહદ પર પાકિસ્તાન આતંકવાદને વધારો આપી રહ્યું છે, પરંતુ તેને સ્પષ્ટ શબ્દોમાં જણાવાયું છે કે આવી હરકતોને સહન કરવામાં નહીં આવે. વળતો પ્રહાર કરવાનો અમારો અધિકાર સુરક્ષિત છે. એની જગ્યા અને સમય અમે નક્કી કરીશું. અમારા તરફથી વળતો પ્રહાર જરૂરથી થશે. જનરલ નરવણેએ મંગળવારે સેનાની વાર્ષિક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યું હતું.
સેના-પ્રમુખે કહ્યું હતું કે ‘LAC પર ચીનની તરફથી જે મોબિલાઇઝેશન થયું હતું એ કંઈ નવું ન હતું, તેઓ દર વર્ષે ટ્રેનિંગ માટે આવે છે. અમારી નજર પણ હતી, પરંતુ તેઓ આમ કરશે એનો અંદાજ લગાવી શકાતો નથી. એને ફર્સ્ટ મૂવર એડવાન્ટેજ મળ્યો.’
સેના-પ્રમુખે વધુમાં કહ્યું, ‘લદાખમાં મુકાબલોના મોરચા પર સ્થિતિ બદલાઈ નથી. સરકારને સ્પષ્ટ સૂચના છે કે આપણે મોરચા પર તહેનાત રહીએ, શિયાળો હોય કે ઉનાળો. અમે સૈનિકો માટે ઠંડીમાં રક્ષણ મેળવવા માટે અને જરૂરિયાત કરતાં વધુ સારાં સાધનો ઉપલબ્ધ કરાવ્યાં છે. અમારા સૈનિકોનું મનોબળ ખૂબ ઊંચું છે. ચિંતાની કોઈ વાત નથી. વાટાઘાટો દ્વારા કોઈ સમાધાન શોધવાનો પ્રયાસ થશે, પરંતુ સમાધાન સુરક્ષા પર આધારિત હશે. જો સમાધાન ન મળે તો એના માટે પણ તૈયાર છીએ. ‘
જનરલ નરવણેએ કહ્યું હતું કે ભવિષ્યના પડકારોનો સામનો કરવા માટે સેનામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આધુનિક ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત છે. એનો રોડમેપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.