પાકિસ્તાન અને ચીનને કાબૂમાં રાખવા રાફેલ માટે અંબાલા અને હાસીમરા બેઝની પસંદગી
નવી દિલ્હી, આવતા અઠવાડિયે ફ્રાંસથી બહુ ચર્ચિત રાફેલ વિમાનનો કાફલો આવતી પહોંચતા જ ઇન્ડિયન એરફોર્સની તાકાતમાં વધારો થશે. સપ્ટેમ્બર, 2016માં એલએસી ખાતે ભારત અને ચીન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ પરિણમી હતી. જેના કારણે ભારતે ફ્રાંસની દસૉલ્ટ એવિએશનને 36 રાફેલ વિમાન બનાવવાનો ઓર્ડર આપ્યો હતો. આ સોદો 56 હજાર કરોડમાં નક્કી થયો હતો.
ભારતીય એરફોર્સ તરફથી આ પહેલા આપવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, “પાંચ રાફેલ વિમાનની પ્રથમ બેચ જુલાઈ, 2020ના અંતમાં આવવાની શક્યતા છે. આ એરક્રાફ્ટને 29 જુલાઇના રોજ અંબાલા એરબેઝ ખાતે એરફોર્સમાં સામેલ કરવામાં આવશે. આ સમયે મીડિયાને હાજર નહીં રાખવામાં આવે. જે બાદમાં મધ્ય ઓગસ્ટમાં એરક્રાફ્ટને એરફોર્સમાં સામેલ કરવાના વિધિવત કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ સમયે મીડિયાને પણ હાજર રાખવામાં આવશે.”
જોકે, એલએસી પર ચીનની આર્મી સાથે થયેલી અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા બાદ ભારતના બેઇજિંગ સાથેના સંબંધોમાં તણાવ આવ્યો છે. આથી જ કદાચ નવા આવી રહેલા એરક્રાફ્ટને તાત્કાલિક ઑપરેશનમાં લાવવામાં આવી શકે છે. ઇન્ડિયન એરફોર્સ પાસે પહેલાથી જ એરક્રાફ્ટ અને મેનપાવર ઓછો છે. એમાં કોઈ શંકા નથી કે ભારતે ચીન અને પાકિસ્તાનને ધ્યાનમાં રાખીને જ રાફેલનો ઓર્ડર આપ્યો હતો પરંતુ કોઈને એ વાતનો અંદાજ પણ ન હતો કે ચીન સાથે સંબંધો આટલા ઝડપથી વણસી શકે છે.