પાકિસ્તાન પોરબંદર અને ઓખાની બોટ સાથે ૨૪ માછીમારોને ઉઠાવી ગયું
રાજકોટ, ભારત સામે ટૂંકું પડી રહેલું પાકિસ્તાન તેની હરકતો બંધ કરવાનું નામ લેતું નથી. સરહદ પર પનો નહીં પહોંચવા હવે દરિયામાંથી માછીમારોનું અપહરણ કરવામાં આવી રહ્યું છે.
પાકિસ્તાનની આ અવળચંડાઈ આમ તો ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે ફરી વખત તેણે લખણ ઝળકાવીને અરબ સાગરમાંથી પોરબંદર અને ઓખાની બોટ સાથે સૌરાષ્ટ્રના ૨૪ માછીમારોનું અપહરણ કરી લીધું જાહેર થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે. પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ અચાનક જ ધસી આવીને માછીમારોને બોટ સાથે ઉઠાવી લેતાં માછીમારોના પરિવારજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
ચોમાસાની સીઝન હોવાથી પોરબંદર, ઓખા, વેરાવળ સહિતના વિસ્તારોમાંથી માછીમારો મોટી સંખ્યામાં દરિયો ખેડવા માટે જતાં હોય છે તેનો જ લાભ લઈને પાકિસ્તાન પોતાનો રંગ બતાવી રહ્યું છે. તાજેતરમાં જ રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમાં એકરાર કર્યો હતો કે પાકિસ્તાનની જેલમાં ગુજરાતના ૫૦૯ જેટલા માછીમારો કેદ છે અને તેના કબજામાં ગુજરાતની ૧૧૪૧ બોટ રહેલી છે.
વર્ષ ૨૦૧૯-૨૦માં આઠ વખત તેમજ ૨૦૨૦-૨૧માં ૧૦ વખત મળીને કુલ ૧૮ વખત કેન્દ્ર સરકારને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. છેલ્લા બે વર્ષમાં ૩૭૬ જેટલા માછીમારોને પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવાયા છે પરંતુ આ સમય દરમિયાન એક પણ બોટ પાકિસ્તાને ભારતને આપી નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના જીવને જાેખમમાં મુકી દરિયામાં જતાં માછીમારોનું અપહરણ થઈ જવાને કારણે તેમના પરિવારો ઉપર દુઃખનો પહાડ તૂટી પડે છે અને એક વખત અપહરણ થઈ ગયા બાદ માછીમારને ક્યારે છોડવામાં આવશે તેનો કોઈ જ નેઠો નહીં હોવાને કારણે પરિવારનું જીવન દોહ્યલું બની જતું હોવાના અનેક કિસ્સાઓ બની ગયા છે. જાે કે આ પ્રકારની હરકતો કરવામાં આનંદ અનુભવતાં પાકિસ્તાનને આ બધી વાતોથી કોઈ જ ફરક ન પડતો હોય તેવી રીતે તેણે અપહરણનો સિલસિલો ચાલું જ રાખ્યો છે.HS